શિવસેનાના આક્રમક મૂડમાં,ભાજપ સમક્ષ માંગણી કરી
મુંબઈ,તા.૧૯
મહારાષ્ટ્રમાં ૨૦૧૯ના અંત ભાગ કે ૨૦૨૦ના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણી આવશે. હાલની શાસક ભાગીદાર પાર્ટીઓ – ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વખતથી થોડીક કડવાશ ઊભી થઈ છે. ભાજપે હાલમાં જ ૩ રાજ્ય – છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયને કારણે ગુમાવી દીધા છે ત્યાં હવે મહારાષ્ટ્રમાં એના ભાગીદાર શિવસેનાએ પણ દબાણ ઊભું કર્યું છે.
ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીએ ભાજપને ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે અને સૂત્રોના જણાવ્યા મુજબ, એણે ૨૮૮-બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ૧૫૫ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવા દેવાની શરત મૂકી છે.
કહેવાય છે કે ભાજપે આ મુદ્દે શિવસેના સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે જેથી આંકડા અંગે કોઈક સમજૂતી સાધી શકાય. હાલની વિધાનસભામાં, ભાજપના ૧૨૧ સભ્યો છે જ્યારે શિવસેનાનાં ૬૩ સભ્યો છે. બંનેનાં મળીને ૧૮૪ સભ્યો થાય છે. ૨૮૮-સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે ૧૪૫ સભ્યો હોવા જાઈએ.
શિવસેનાની માગણી છે કે પોતે ૨૦૧૪ની ચૂંટણીમાં જીતેલી ૬૩ બેઠકો ઉપરાંત તેણે કે ભાજપે જીતી નહોતી એવી કુલ ૧૦૪ સીટોમાંથી ૮૫ બેઠકો પોતાને ફાળવવામાં આવે. આમ, તે કુલ ૧૫૫ બેઠકો માગે છે. શિવસેનાની બીજી માગણી એ છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીની સાથે જ યોજવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



