મુંબઈ,તા.૧૬
આઠ વર્ષના એક કશ્મીરી બાળકને ભારતીય લશ્કરના જવાન સાથે સારી એવી આત્મીયતા થઇ જાય છે એવી કથા ધરાવતી ફિલ્મ હમીદની રજૂઆતને મોકૂફ રાખવામાં આવી હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં અભિનેત્રી રસિકા દુગ્ગલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પુલવામાં સીઆરપીએફની બસને આતંકવાદીઓએ ઊડાવી દીધા બાદ દેશભરમાં આતંકવાદ અને કશ્મીર વિરુદ્ધ જે લાગણી પ્રવર્તી રહી છે એ ધ્યાનમાં રાખીને હમીદની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હોવાનું ફિલ્મ સર્જક દ્વારા જણાવાયું હતું.
ફિલ્મ હમીદના ડાયરેક્ટર ઐઝાઝ ખાને કહ્યું હતું કે અમારી મૂળ યોજના આ ફિલ્મને પહેલી માર્ચે રજૂ કરવાની હતી પરંતુ પુલવામાની દુર્ઘટનાએ અમારી યોજના મોકૂફ રાખવાની પ્રેરણા આપી હતી. જમ્મુ કશ્મીરમાં પરિસ્થિતિ થોડી એખલાસભરી થાય ત્યારબાદ આ ફિલ્મ રજૂ કરવાની હવે અમારી યોજના છે.
‘અમારી મૂળ યોજના ૧૮ ફેબુ્રઆરીએ શ્રીનગરમાં સીઆરપીએફ જવાનોને પહેલાં આ ફિલ્મ દેખાડવાની હતી. અમે ગુરુવારેજ કશ્મીર જવા રવાના થવાના હતા ત્યાં આ સમાચાર આવતાં અમે અમારી યોજના મુલતવી રાખી હતી’ એમ ઐઝાઝ ખાને કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



