કૂવો એક માત્ર પાણીનો સ્ત્રોત, રોજ 20 ફૂટ ઉંડે ઉતરીને પાણી ભરવા ગ્રામજનો મજબુર
ગામેગામ પાણી પહોંચાડવાની વાતો કરતી સરકાર માત્ર ચિનકુવામાં પાણી આપે પછી વિકાસની વાત કરે
ગરુડેશ્વર તાલુકામાં આવેલું આ ગામ આજે પણ વિકાસ થી વંચીત : ઉનાળામાં નહિ આખું વર્ષ માપી માપી પાણી ખર્ચ કરે
રાજપીપળા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામે ગામ થી પાણીના પોકાર સંભળાય છે ત્યાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટાઆંબા ગ્રુપ ગ્રામપંચાયતનું ગામ ચિનકુવા જે ઉંચી ટેકરી પર આવેલું છે. જ્યાં પાણીનો એક માત્ર સ્ત્રોત 20 ફૂટ ઉંડો કૂવો છે જે કુદરતી ઝરણા ફૂટતા પાણી ભરાય છે અને ઉનાળામાં આખું ગામ આ કુવામાં પાણી આવે એની ચાતક પક્ષીની જેમ રાહ જુવે છે અને 20 ફુટ ઉંડે ઉતરીને પાણી ભરે છે પાણી પૂરું થઇ જાય ત્યારે ફરી પાણી ઝમે અને કૂવો ભરાઈ ત્યારે ફરી ગ્રામજનોની તરસ છીપે છે. સૌથી વધુ ઉનાળાના આગમનમાં પાણીની તકલીફ પડે છે અને ઘી ની માફક પાણી નો ખર્ચ કરે છે. છતાં સરકારી કોઈ યોજના આ ગામ સુધી પહોંચી નથી અને સરકાર પાણી પહોચ્યાના બણગા ફૂકે છે, ત્યારે સરકારી બાબુઓ આ ગામમાં જાય ત્યારે ખબર પડે કે શુ મુશ્કેલી છે.
ચિનકુવા ગામ એક ઉંચા ડુંગર પર આવેલું ગામ છે, જ્યાં લગભગ 50 જેટલા ઘરો છે અને 400 જેટલી વસ્તી અહીંયા વસે છે, ઉંચાઈ પર આ ગામ હોય ગામમાં જવાનો માર્ગ કાચો છે, પાણીની વાત કરીએ તો આ ગામમાં નથી હેન્ડ પમ્પ કે નથી પાણીની કોઈ ટાંકી પાણી નો કોઈ વિકલ્પ નથી છતાં જેને રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અહીંયા સાચી સાબિત થાય કે જ્યાં વહીવટી નથી સુવિધા પહોંચી શકી ત્યાં ગામમાં એક વર્ષો જૂનો કૂવો છે જે પુરાઈ ને 20 ફુટ જેટલો બચ્યો છે પણ જેમાં એક ઝરં ફૂટે ે અને જેમાં પાણી ઝમી 5 થી 6 ફુટ જેટલો ભરાઈ છે એટલે ચિનકુવા ગામના લોકો ડોલો ને દેગડાં લઈને દોડે છે અને એક સંપ થઇ અંદર એક બે યુવક કે યુવતીઓ દોરડાના સહારે નીચે ઉતરે અને પાણી ભરી ભરી ઉપર દોરડાની મદદથી ખેંચી વાસણો ભરે છે, જ્યાં સુધી પાણી રહે ત્યાં સુધી ભરે તો પણ એક ઘર દીઠ બે થી ત્રણ ડોલ પાણી મળે જો બિજે દિવસે પાણી ના ઝમે તો પાણી ભરાય ત્યાં સુધી રાહ જોઈ બેસી રહેવું પડે પરંતુ આ લોકોની પીડા કોણ સમજે ખરેખર રાજ્ય સરકાર આવા ગામોમાં તમામ સાધનો કામે લગાડી આ 400 જિંદગીઓ માટે સુવિધા ઉભી કરે એ યોગ્ય કહેવાશે અને આમ થાય ત્યારેજ વિકાસની આ વાતો સાચી ઠરે એમ છે.
આ બાબતે ગામના રમેશ તડવી એ જણાવ્યું કે અમે અહીંયા કોઈ પણ સુવિધા વીના રહેતા હોય સરકાર અમને કોઈ સુવિધા આપી નથી અમે જાતે રસ્તો ખોદી ને અવરજવર માટે બનાવ્યો, ગામમાં લાઈટ આવશે એ વિચારી અમે માથે થાંભલા ઉંચકી લાવ્યા પણ હજુ લાઈટ આવી નથી એટલું જ નહિ પાણીની કોઈ સુવિધા નથી જંગલોમાં જંગલી પશુઓ માટે પણ સરકાર પાણીની વ્યવસ્થા કરે છે પરંતુ અમારા માટે કોઈ સગવડ કરી નથી એટલે અમને સરકાર પશુઓ કરતા પણ ખરાબ સમજે છે. અમારું કોણ બેલી તેમ જણાવી પોતાની વ્યથા ઠાલવી હતી .
આ બાબતે કાર્યપાલક ઈજનેર,નર્મદા અનિલ ગર્ગએ જણાવ્યું હતું કે આ ગામ માટે કલેક્ટર સાથેની મિટિંગમાં 31 લાખની મંજૂરી મળી ગઈ છે પરંતુ હજુ ત્યાં કામગીરી શરુ કરી પૂર્ણ થતા થોડો સમય લાગશે આવતા મહિને લગભગ આ ગામમાં પાણીની તકલીફનો અંત આવશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





