૨૦૧૫માં ૮ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી
ન્યુ દિલ્હી,તા.૨૦
૨૦૧૬થી અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે, તેની સાથે સંકળાયેલા કોઈ પણ ડેટા સરકારની પાસે નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહએ સંસદમાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે નેશનલ ક્રાઈમ બ્યુરો (NCRB), જે આ મામલામાં ડેટા એકત્રિત કરે છે. તેણે ૨૦૧૬થી આત્મહત્યા કરનાર કોઈ ખેડૂતોની સંખ્યાનો ડેટા બહાર પાડયો નથી.
તૃણમૂલ કોંગ્રેસે દિનેશ ત્રિવેદીને સવાલ પૂછયો હતો કે ૨૦૧૬થી અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી અને સરકારે તેમના પરિવાર માટે શું કર્યું ? રાધામોહન સિંહએ લેખિત જવાબ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય અંતર્ગત એનસીઆરબી આત્મહત્યાઓ વિશે જાણકારી એકત્રિત કરીને તેને બહાર પાડે છે. એનસીઆરબીની વેબસાઈટ પર ૨૦૧૫ સુધીના આંકડાઓ ઉપલબ્ધ છે. જયારે ૨૦૧૬ અને તેની પછીના આંકડાઓ અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યા નથી.
મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજય સરકારો એનસીઆરબીને તેની સાથે સંકળાયેલો ડેટા મોકલે છે. આ આંકડાઓને એકત્રિત કરીને તેને બહાર પાડવામાં આવે છે.
એનસીઆરબીના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૫માં ૮ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સૌથી વધુ આત્મહત્યાઓ મહારાષ્ટ્રમાં થઈ છે. મહારાષ્ટ્રમાં ૩,૦૦૦, તેલંગાનામાં ૧૩૫૮, કર્ણાટકમાં ૧૧૯૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
૨૦૧૫માં ખેતી સાથે જાડાયેલા ૪૫૦૦ મજૂરોએ આત્મહત્યા કરી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મોટા ભાગની આત્મહત્યાઓ લોન કે દેવાના કારણે થઈ છે. અગાઉ ૨૦૧૪માં ૫,૬૫૦ ખેડૂતો આત્મહત્યા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



