રાજકોટ,તા.૨૭
રાજકોટના મોરબી રોડ પર કાગદડી ગામ નજીક કાર અકસ્માતમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ જયદીપસિંહ રાણાનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત ગત રાત્રે થયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી અને જયદીપસિંહના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જયદીપસિંહ રાણા પરિવાર સાથે બહેનના સાસારીયામાં લગ્ન પ્રસંગ પતાવી નલીયાથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ટ્રકે કારને ટક્કર મારતા જયદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યપં હતું. જ્યારે પિતા રાજેન્દ્રસિંહ, માતા, પિત્રાઇ ભાઇ અને માસીને ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
જયદીપસિંહ અગાઉ ભકિતનગર પોલીસ મથકમાં એએસઆઇ હતાં. ત્યારબાદ ચારેક મહિના પહેલા જ તેમને ક્રાઇમ બ્રાંચમાં મુકવામાં આવ્યા હતાં. તેઓ પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. જયદીપસિંહના પિતા પણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




