રાજકોટ,તા.૨૪
શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે રાજ્યના ૧૬ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. ભાજપે રાજકોટમાંથી મોહન કુંડારિયાનું નામ જાહેર થતા જ ત્યાંનું રાજકારણ પણ જાણે ગરમાયું હોય તેમ નરેશ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે રાજકોટથી ભાઇ આવે છે, ૧૦૧ ટકા જીત નિશ્ચિત છે. સારૂ વ્યક્તિત્વ, શિક્ષણ અને તન, મન, ધનથી સંપન્ન વ્યક્તિ તરીકે રાજકોટથી લોકસભા સીટ પર અમે આવકારીએ છીએ. આ લખાણવાળા પોસ્ટર કોણે લગાડ્યા છે તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે.
ભાજપ અને કોંગ્રેસ પાટીદાર મતને પોતાના કરવા માટેનું કેન્દ્ર ગણાતા ખોડલધામ અને ઉમિયાધામ સાથે સંકળાયેલા પાટીદાર આગેવાનોને ચૂંટણી લડાવવા ઉત્સુક છે. છેલ્લા ઘણાં સમયથી જેતપુર પાસનાં કાગવડનાં ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ કે પુત્ર શિવરાજ પટેલને ચૂંટણી લડાવવા માટેનાં પ્રયાસો થઇ રહ્યાં છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેને પગલે નરેશ પટેલના પુત્રને કોંગ્રેસ ચૂંટણીમાં મેદાનમાં ઉતારો અને ભાજપ સામે લડાવે તેવી ચર્ચા તેજ બની હતી. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી હતી. પરંતુ આધારભૂત સૂત્રોનાં આધારે જાણવા મળ્યું છે કે નરેશ પટેલનાં પુત્રોમાંથી એકપણ ચૂંટણી નહીં લડે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




