રાજકોટ,તા.૩
રાજકોટ શહેર પોલીસે બાતમીનાં આધારે રેડ કરીને ગર્ભ પરીક્ષણ કરતા ડો. હિના પટેલને પકડી પાડી છે અને તેના કિલનીકમાંથી સોનોગ્રાફી મશીન સહિતનાં સાધનો જપ્ત કર્યા છે. પોલીસે ડો. હિના પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ પોલીસનાં જણાવ્યા અનુસાર, તેમને એવી બાતમી મળી હતી કે, રાજકોટનાં કોઠારિયા રોડ પર આવેલા હુડકો ક્વાટર્સમાં રહેતા ડો. હિના પટેલ પોતે ગાયનેક ડોક્ટર ન હોવા છતાંય ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરે છે.
આ બાતમીનાં આધારે પોલીસ, રાજકોટ મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગનાં સ્ટાફને સાથે રાખી એક છટકુ ગોઠવ્યું હતુ અને એક મહિલાને ડમી ગ્રાહક તરીકે ડો. હિના પટેલ પાસે મોકલ્યા હતા.
આ ડમી ગ્રાહકને ડો. હિના પટેલે તેના ગર્ભમાં દિકરો છે કે દિકરી છે તેનું ગર્ભ પરીક્ષણ કરવાની તૈયારી દર્શાવી હતી અને દિકરી જણાય તો ગર્ભપાત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. ડો. હિના પટેલે ગર્ભપાત કરવા માટે ૨૦,૦૦૦ રૂપિયા થશે તેની વાત પણ કરી હતી.
આ દરમિયાન જ, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે હિના પટેલનાં કિલનીક પર રેડ કરીને તેમની પાસે રહેલા વાયરલેસ સોનોગ્રાફી મશીન, એપ્પલ કંપનીનું આઇપેડ, જેલ કબ્જે કર્યુ હતું.
પોલીસની તપાસમાં ખુલ્યા પ્રમાણે, ડો. હિના પટેલ બી.એચ.એમ.સ (હોમિયોપેથી)ની ડિગ્રી ધરાવે છે. તેમની પાસે ગાયનેક ન હોવા છતાંય ગર્ભ પરીક્ષણ કરતા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




