રાજકોટ,તા.૨૯
દૂધ ઉત્પાદન ક્ષેત્રે એશિયામાં નામના ધરાવતું અમૂલ ફેડરેશન આગામી વર્ષોમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટ નાંખશે. મળતી માહિતી પ્રમાણે આગામી બે વર્ષમાં અમૂલ ફેડરેશન ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂ. ૧૨૦૦ કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત ખર્ચ ઘટાડવા માટે રાજકોટ ખાતે મીની મધરડેરી બનાવવામાં આવશે.
જીસીએમએમએફની મળેલી સામાન્ય સભામાં ચેરમેન રામસિંહ પરમારે અને મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ આ માહિતી આપી હતી. જીસીએમએમએફના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા અને હિંમતનગર ખાતે નવા પ્લાન્ટની સાથે સાથે વિસ્તૃતિકરણની પણ ફેડરેશનની યોજના છે. દેશભરમાં દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે આ વિસ્તૃતિકરણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
રામસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે રાજકોટ નજીક આગામી બે વર્ષમાં મીની મધર ડેરી બનાવવામાં આવશે. આના કારણે સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદક સંઘોએ દૂધ તેમજ પ્રોડક્ટ્સ લાવવા કે લઈ જવા માટે અમદાવાદ નજીક આવેલા યુનિટ સુધી લાંબુ થવું નહીં પડે. સૌરાષ્ટ્રનું દૂધ રાજકોટ નજીક જ એકઠું થશે જેનાથી ખર્ચ અને સમયની પણ બચત થશે.
આ પ્રસંગે જીસીએમએમએફના ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં જીસીએમએમએફના ટર્નઓવરમાં ૧૩ ટકાનો વધારો થયો છે. આ વર્ષે જીસીએમએમએફનું ટર્નઓવર ૩૩,૧૫૦ કરોડે પહોંચ્યું છે. આગામી વર્ષોમાં આ ટર્નઓવર ૫૦ હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા ડિરેક્ટર સોઢીએ વ્યક્ત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



