લાલુ યાદવના ધબકારા અનિયમિત
રાંચી,તા.૨૨
ચારા કૌભાંડના મામલે જેલની હવા ખાઈ રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તેમની હાર્ટબિટ્સ અનિયમિત થઈ ગઈ છે. રિમ્સના ડોક્ટર્સ અનુસાર લાલુની કિડની ૫૦ ટકા જ કામ કરી રહી છે. લાલુ પ્રસાદ શુગર અને બ્લડ પ્રેશર જેવી તકલીફોથી પીડાઈ રહ્યા છે જે વધારે ખતરનાક બની શકે છે.
લાલુ પ્રાસદની સારવાર કરી રહેલા ડોક્ટર્સે જણાવ્યું કે, બિમારી સામે લડવા માટે લાલુ પ્રસાદની રોગ પ્રતિકારક શક્તિ સતત ઘટી રહી છે. લાલુ પ્રસાદની બિમારી અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ શુક્રવારે પણ તેમની અરજી પર સુનાવણી થઈ શકી નથી. લાલુની જામીન અરજી પર હવે ૪ જાન્યુઆરીના રોજ સુનાવણી થશે. રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જાવા મળ્યો નથી.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદને ૨૫ વર્ષથી ડાયાબિટિસની તકલીફ છે અને હવે તેઓ બ્લડ પ્રેશરના પણ દર્દી બની ગયા છે. લાલુ પ્રસાદની તબિયત વધારે ખરાબ થઈ શકે તેવી સ્થિતિ છે. ડોક્ટર્સનું કહેવું છે કે, વિજ્ઞાન પાસે એવી કોઈ જ દવા નથી જેનાથી કિડની ફંક્શન સામાન્ય રીતે કામ કરી શકે. ઓગસ્ટથી લઈને અત્યાર સુધી ૧૧૦ દિવસોમાં લાલુ પ્રસાદને ૫૦ દિવસ એન્ટીબાયોટિક્સ દવાઓ આપવી પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





