રાયબરેલી,તા.૨૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની સંસદીય બેઠક રાયબરેલીમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ અહીં ‘ચોકીદાર ચોર છે’નાં નારા પણ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ૭૦ વર્ષમાં આજ સુધી એક પણ વડાપ્રધાને નોટબંધી કરવાની મૂર્ખામી કરી નથી.
તેમણે કહ્યું કે, ‘જો નોટબંધી કાળુનાણું પરત લાવવા માટે હતી તો ચોર લોકો લાઈનમાં કેમ દેખાયા ન હતા. બધા ઈમાનદારો, બેરોજગારો અને ખેડૂતો જ કેમ લાઈનોમાં ઉભા હતા. કારણ કે ચોકીદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી-કાઢીને ૧૫ ચોરોને વહેંચી દીધા હતા. તેમજ મોદીજીએ જનતા સમક્ષ ૧૫ લાખ રૂપિયા વિશે પણ જૂઠાણું ચલાવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અહીં અમારા મનની વાત કહેવા માટે નહીં પણ જનતાનાં મનની વાત સાંભળવા માટે આવ્યા છે. રાયબરેલી અને અમેઠીમાં અમે જે કંઈ કરવાનું નક્કી કર્યું તે બધું જ મોદીજીએ અટકાવી દીધું. તેમણે અમેઠીમાં રેલવે લાઈન અને રાયબરેલીમાં રેલવે ફેક્ટરી થતી અટકાવી દીધી. ચોકીદારે જનતા પાસેથી રોજગારીની જ ચોરી કરી છે. રેલવે ફેક્ટરીની ચોરી કરી છે. પરંતુ અમે તે બધું જ તમને પરત કરીશું.
મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, ‘દેશનો એક પણ યુવા એવું નહીં કહે કે હા, ચોકીદારે મને નોકરી આપી છે. બેરજગારીનો દર છેલ્લા ૪૫ વર્ષની ટોચ પર છે. નરેન્દ્ર મોદી જીએ કરી તેવી મૂર્ખામી તો ૭૦ વર્ષમાં એક પણ વડાપ્રધાને કરી નથી. ગરીબોનાં પૈસા છીનવી લેવાનું કામ આ એક જ વડાપ્રધાને કર્યું છે, નરેન્દ્ર મોદીએ. વાજપેયીએ પણ આવું તો નથી કર્યું.
દેશમાં અમારી સરકાર આવશે તો નવી ૨૨ લાખ નોકરીઓમાં ભરતી કરવામાં આવશે. રાહુલે કહ્યું કે, હવે અચ્છે દિનનો નારો નથી ચાલવાનો. અચ્છે દિનના નારા આપનારી સરકારમાં તમામ લોકોનો ખરાબ દિવસો આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




