નિષ્ણાંતો-સેટેલાઇટ તસ્વીરોના આધારે દાવો કરાયો
રિયાધ,તા.૨૭
ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા સાઉદી અરેબિયાએ હવે પોતાના સૈન્યની તાકાત વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નિષ્ણાંતો અને સેટેલાઈટ તસવીરોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે સાઉદ્દી અરેબિયા એક સૈન્ય મથકે બેલેસ્ટિક મિસાઈલો બનાવી રહ્યું છે અને તેના પરીક્ષણ પર કામ કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પ્રકારના સામરિક હથિયાર પ્રોગ્રામના તથ્યોના આધારે અત્યાર સુધી સાઉદી અરેબિયા પોતાના ધુર વિરોધી એવા ઈરાનની ટીકા કરતું આવ્યું છે.
આ દાવોને સાચા માનવાનું એક કારણ એ પણ છે કે ગત વર્ષે સાઉદી અરબના શક્તિશાળી ક્રાઉન પ્રિંસ મિહમ્મદ બિન સલમાને આ વાતના સંકેત પણ આપ્યા હતાં. સલમાને કહ્યું હતું કે, જો ઈરાન આ પ્રકારનો કોઈ હથિયારોનો પ્રોગ્રામ ચલાવે તો દેશને પરમાણું હથિયાર વિકસાવવામાં થોડો પણ ખચકાટ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, બેલાસ્ટિક મિસાઈલ હજારો કિલોમીટર દૂર સુધી પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ હોય છે.
મહત્વની વાત એ છે કે અમેરિકા સાઉદી અરેબિયાનું લાંબા સમયથી સિક્્યૂરિટી પાર્ટનર રહી ચુક્્યું છે. જ્યારે મોટા ગજાના પત્રકાર જમાલ ખશોગીની હત્યાને લઈને વણસેલા સંબંધોમાં આ પ્રકારના પ્રોગ્રામના કારણે અમેરિકા સાથે સાઉદી અરેબિયાના તણાવ વધી શકે છે.
કેલિફોર્નિયામાં મિડલબરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝના મિસાઈલ એક્સપર્ટ જેફરી લુઈસે જણાવ્યું હતું કે, મિસાઈલો પર મોટા પ્રમાણમાં રોકાણને લઈને એક બાબત તો સ્પષ્ટ છે કે, પરમાણું હથિયારો બનાવવામાં રસ વધી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



