સમૂહ લગ્નોત્સવ સામાજીક સદભાવના – સમાજશક્તિની ક્ષમતા ઊજાગર કરતા સંસ્કાર છે:- મુખ્યમંત્રી

0
11

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમૂહ લગ્નોત્સવો સામાજીક સદભાવના અને સમાજશક્તિની ક્ષમતા-તાકાત ઊજાગર કરતા સંસ્કાર છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લગ્ન જીવનથી બે વ્યકિતઓ જ નહિ, બે પરિવારો સ્નેહના અતૂટ સંબંધે જોડાય છે અને સમાજ વ્યવસ્થા વિકસીત થાય છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સંત રોહિદાસ સેવા સમાજ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં પ્રભૂતામાં પગલાં પાડતા ર૩ નવપરિણીત યુગલોને રાજ્ય સરકાર વતી સુખી-દીર્ધાયુ લગ્નજીવનની મંગલ કામનાઓ પાઠવી હતી.
વિજયભાઇ રૂપાણીએ સમૂહ લગ્નોત્સવમાં એક જ માંડવે અનેક દિકરીઓને સાસરે વળાવવાના પ્રસંગમાં સમાજ સમસ્ત અને આયોજકો શ્રેષ્ઠીઓ તેના માવતર બીન ઊભાં રહે છે તેની પણ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, લગ્નના આનંદ અવસરમાં સહાયક બનીને આ સરકાર પણ કુંવરબાઇનું મામેરૂં યોજનાની રૂ. ૧૦ હજારની સહાય સાથે દિકરીના આપ્તજન તરીકે મામેરૂ લઇ વાલી તરીકે પડખે ઊભી રહે છે. તેમણે સમૂહ લગ્નોત્સવના આયોજકોને પણ યુગલ દીઠ રૂ. બે હજાર સહાય સરકાર આપે છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે સમાજના વરિષ્ઠો-વડીલોને ખાસ અનુગ્રહ કરતાં ઉમેર્યું કે, હવેનો સમય જ્ઞાન-સ્પર્ધા ટેકનોલોજીથી સજ્જ થઇ ક્ષમતા વર્ધનનો છે ત્યારે હરેક સમાજ પોતાની ભાવિ પેઢી સમાન સંતાનોને શિક્ષા-દિક્ષાથી સજ્જ કરી સ્પર્ધાના પડકારોને પહોચી વળવા સક્ષમ બનાવે તે સમયની માંગ છે. વિજયભાઇ રૂપાણીના હસ્તે આ ૧રમા સમૂહલગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાયેલા ર૩ યુગલોને સમાજકલ્યાણ વિભાગના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
સામાજીક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, ધારાસભ્ય કરસનભાઇ, પૂર્વ વિધાયક આર. એમ. પટેલ, સંત રોહિદાસ સેવા સમાજ પ્રમુખ નિર્મલભાઇ, ડાહ્યાભાઇ પરમાર તેમજ યુગલોના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY