ન્યુ દિલ્હી,
તા.૧૨/૪/૨૦૧૮
સરકારે ગુજરાતના શિક્ષણપ્રધાનના નેતૃત્વમાં ઉચ્ચસ્તરિય સમિતિ બનાવી
સરકાર હવે સ્કૂલનાં બાળકોના ગણિતના ડરને દૂર કરવામાં મદદ કરશે. સરકારે ગુજરાતના શિક્ષણ પ્રધાનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ નીમવાનો નિર્ણય લીધો છે. ત્રણ મહિનામાં સમિતિ ગણિતને સરળ અને રોચક બનાવવાના આઇડિયાનો રિપોર્ટ સરકારને સોંપશે.
સરકારે સ્કૂલ શિક્ષકોના પ્રશિક્ષણને વધુ ઉત્તમ બનાવવાનો નિર્ણય લીધો છે. તેને લઇ તેલંગાણાના નાયબ મુખ્યપ્રધાનના નેતૃત્વમાં પણ એક સમિતિ રચવામાં આવશે. એનસીઇઆરટીની વાર્ષિક કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠકની જાણકારી આપતાં કેન્દ્રીય માનવસંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે નેશનલ એસેસમેન્ટ સર્વે અનુસાર વિદ્યાર્થીઓના મનમાં ગણિતને લઇ ડર રહેતો હોય છે.
સરકાર હવે આ ડરને ખતમ કરશે. રાજ્યની સાથે ચર્ચા બાદ હવે તેને લઇ એક સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે. ૬ થી ૭ સભ્યની સમિતિમાં શિક્ષણવિદ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ થશે. તે ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. ત્યારબાદ સરકાર જરૂરી પગલાં ભરશે.
બેઠકમાં શિક્ષકોના પ્રશિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની માગણી પણ ઊઠી છે. ત્યારબાદ તેલંગાણાના નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં પણ એક સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ પણ ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે. બંને સમિતિઓની રચના ખૂબ જ જલદી કરાશે.
આ ઉપરાંત બેઠકમાં સરકાર તરફથી સ્કૂલના શિક્ષણને મજબૂત બનાવવા માટે લેવાયેલાં પગલાં પર પણ ચર્ચા થઇ હતી. તમામ સ્કૂલમાં લાઇબ્રેરી ખોલવાનો નિર્ણય લેવાયો. તેને લઇ તમામ સ્કૂલને રૂ.ર૦,૦૦૦ સુધીની મદદ કરાશે. બેઠકમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને દિલ્હીના શિક્ષણ પ્રધાન ઉપરાંત બાકી રાજ્યના સ્કૂલ શિક્ષણના પ્રમુખ સચિવ અને અન્ય સચિવોએ ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





