ગુલમર્ગમાં -૧૧ ડિગ્રી, રોહતાંગમાં ૪ અને બદ્રી-કેદારનાથમાં ૨ ફૂટ બરફ જામ્યો

0
10

શિમલા,તા.૨૩
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદની વચ્ચે બરફવર્ષા પણ થઈ હતી. કાશ્મીરના રામબન જિલ્લામાં એક ગામ હિમસ્ખલનની ઝપટમાં આવી ગયું હોવાથી ૧૨ વર્ષની એક છોકરી સહિત ૨ લોકોના મોત થયા છે. બરફવર્ષા અને ભૂસ્ખલનના કારણે જમ્મૂ-શ્રીનગર હાઈવે બીજા દિવસે પણ બંધ રહ્યો હતો. હિમાચલમાં ૩૭૭ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. તેમાં સૌથી વધારે શિમલાના ૨૦૪ રસ્તાઓ સામેલ છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં કુફરી પાસે હિમવર્ષાના કારણે બે બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ૭૦ સ્કૂલના બાળકો સાથે સ્ટાફ સહિત ૮૭ લોકોને બચાવવામાં આવ્યા છે. આ બાળકો લખનઉની એક સ્કૂલના હતા. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં વરસાદ થયો હતો. અમુક વિસ્તારોમાં કરા પડવાની ઘટના પણ સામે આવી છે.
પહાડી વિસ્તારમાં હજી પણ બરફવર્ષા થવાની શક્્યતા છે. ૨૫ જાન્યુઆરી સુધી દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની શક્યતા. બરફવર્ષાથી દિલ્હી, પંજાબ હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડી વધવાની શક્યતા છે.
બરફવર્ષાના કારણે મુખ્યમંત્રી જયરામ ઠાકુર સચિવાલયથી તેમના સરકારી ક્વાર્ટર ઓકઓવર સુધી ચાલતા ગયા હતા. આ દરમિયાન તેમણે બરફવર્ષાથી ઉભી થયેલી પરિસ્થિતિ જાણી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે ભારે બરફવર્ષા થવાની શક્્યતા છે. ૨૬ જાન્યુઆરી સુધી વાદળ છવાયેલા રહેશે.
હિમાચલના ઘણાં વિસ્તારોમાં મંગળવારે પણ વરસાદ થયો હતો. ધર્મશાલામાં ૪૭.૪ સેમી, કાંગડામાં ૩૯.૬ સેમી, બંજારમાં ૩૩ સેમી, પાલમપુરમાં ૩૨ સેમી, કસૌલીમાં ૪૦.૪ સેમી, ધર્મપુરમાં ૩૦.૨ સેમી, ઉનામાં ૨૧.૮ સેમી, શિમલામાં ૧૩.૨ સેમી, સોલનમાં ૨૮.૨ સેમી અને બિલાસપુરમાં ૨૪.૫ સેમી નોંધવામાં આવ્યો છે.
શિમલામાં ૦.૭, મનાલીમાં -૧.૨, ડેલહાઉસીમાં -૧.૮, કલ્પામાં -૨.૪, ધર્મશાલામાં ૨.૮ ડિગ્રી
દિલ્હીમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાથી મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યા સુધી ૩૬ કલાકમાં હવામાન વિભાગે ૪૨ મીમી વરસાદ નોંધ્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY