શ્રીનગર,તા.૨૩
૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં લશ્કરી કોન્વોય પર થયેલા આતંકવાદી હુમલા બાદ લશ્કરમાં ભરતી થવા હજારો કાશ્મીરીઓ આગળ આવ્યા છે. નોર્થ કાશ્મીરમાં યોજાયેલા ઈન્ડિયન આર્મી કેમ્પ ખાતે બારામુલ્લા, કુપવારા, બંદીપોર જિલ્લાના યુવાનો આર્મીના ૧૬૧ ટેરિટોરિયલ આર્મી કેમ્પ બહાર નોકરીની અરજી સાથે ઊમટી પડ્યા હતા. ૧૬૧ ટેરિટોરિયલ આર્મી કેમ્પના અધિકારી વૈદ બેનિવાલે ૧૧૧ પોસ્ટ માટે કાશ્મીરના હજારો યુવાનોએ અરજી કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ૩૫૦૦ અરજી આવી ચૂકી હોવાનું અને હજી વધારે અરજી આવી રહી હોવાનું જણાવ્યું હતું.
અરજી કરનારા યુવકોને શારીરિક તપાસ માટે મોકલવામાં આવશે. આર્મી તરફથી જાહેર થયા મુજબ ૧૦ ધોરણ પાસ કરનાર તમામ અરજી કરવા પાત્ર છે. આર્મી પાસે સ્નાતક તથા અનુસ્નાતક યુવાનોની પણ અરજી આવી છે.
કુપવારાના યુવાનને ૩૦ વર્ષની ઉંમર થઈ ગઈ હોવા છતા, સ્નાતક હોવા છતાં હજી સુધી સ્થિર નોકરી નહીં મળી રહી હોવાથી આર્મીમાં અરજી કરી હોવાનું જણાવ્યું હતું. કાશ્મીરમાં રોજગારીના અભાવને પરિણામે યુવાનો પોલીસ અને લશ્કરની સરકારી નોકરીમાં જાડાવા ઉત્સુક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પુલવામા એટેકમાં સીઆરપીએફના ૪૦ જવાનોના મૃત્યુ બાદ સમગ્ર દેશના વિવિધ પ્રાંતોમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવાનો લોકોનો રોષનો સામનો કરી રહ્યા છે. ઘણી જગ્યાએ કાલેજ તથા યુનિવર્સિટી તરફથી તેમને થોડા સમય માટે કાશ્મીર પરત ફરી જવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



