શ્રીનગર,તા.૭
જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ વચ્ચે જમ્મુમાં એક બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. આ હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે પૈકી એકનું મોત નિપજ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ હુમલામાં ૨૮ લોકો ઘાયલ થયા હોવાનો અંદાજ છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવાયો છે. પોલીસે આગળની તપાસની કામગીરી પણ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં ૧૫ સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા છે. આપને જણાવી દઇએ કે પુલવામા આતંકી હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓને એલર્ટ પર રખાયા છે. એક સંદિગ્ધ હુમલાખોરે ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આઇજીના મતે હુમલાનો ઉદ્દેશ સાંપ્રદાયિક સૌહાર્દને ખરાબ કરવાનો છે. તપાસ શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે દોષિતોને ઝડપી લેવાશે.
બ્લાસ્ટ થતાની સાથે સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સવારે ૧૧.૩૦ કલાકે બસ સ્ટેશન પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જ્યાં વિસ્ફોટ થયો ત્યા પડેલી એક બસમાં કેટલાક લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. જેથી થોડીવાર માટે બસ સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો હુમલો સાંપ્રદાયિક તણાવ માટે કરવામાં આવ્યો છે. ગ્રેનેડ વિસ્ફોટ બાદ જમ્મુ કાશ્મીરમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. અને જમ્મુ કાશ્મીર પોલીસે જનતાને અફવા પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ૧૦ માસમાં જમ્મુ બસ સ્ટેન્ડ પર આ પ્રકારનો ત્રીજા હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ડીજી સીઆઈએસઅફે જાણકારી આપી છે કે તમામ યૂનિટની સુરક્ષા વધારવામાં આવી છે. જાકે, બ્લાસ્ટના કારણ વિશે માહિતી નથી મળી શકી. પોલીસે જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે, હજુ સુધી જાણી નથી શકાયું કે આ હુમલાની પાછળ કોણ છે.ગયા વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ પણ આતંકીઓએ બસ સ્ટેન્ડને નિશાન બનાવ્યું હતું. એ સમયે આતંકી બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારે કોઇ નુકસાન થયું નહોતું. જો કે મોટો પ્રશ્ન એ છે કે બસ સ્ટેશનની પાસે જ પોલીસ સ્ટેશન પણ છે તેમ છતાંય આતંકી પોતાના મંસૂબામાં સફળ થઇ ગયો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




