સોનું ફરી ₹ 31,000ની પાર: ચાંદીમાં ₹ 200 વધ્યા

0
7

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવા ઉપરાંત બૉન્ડની ઊપજમાં પણ વધારો થતાં સોનામાં નરમાઈતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 30 પૈસા ગગડીને ફરી 68ની સપાટીએ પહોંચતાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 115નો સુધારો આવ્યો હતો. જેમાં 99.5 ટચ અથવા તો શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. 31,000ની સપાટી પાર કરી ગયા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 200નો સુધારો આવ્યો હતો. જોકે, આજે બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી.

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ઔંસદીઠ ભાવ ઘટીને 27 ડિસેમ્બર પછીની સૌથી નીચી 1285.41 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને સત્રના આરંભે હાજરમાં ભાવ આગલા બંધથી 0.3 ટકા ઘટીને 1286.56 ડૉલર આસપાસ અને સોનાના જૂન ડિલિવરી વાયદાના ભાવ આગલા બંધથી 0.3 ટકા ઘટીને ઔંસદીઠ 2386 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં સોનાના ભાવઘટાડા પાછળ હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી 0.2 ટકા ઘટીને ઔંસદીઠ 16.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન સ્થાનિકમાં આજે ડૉલર સામે રૂપિયો નરમ રહેતાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 115 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 30,945 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 31,095ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી.

વધુમાં આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 200 વધીને રૂ. 39,795ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY