સુલતાનપુર,તા.૩
ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી માટે જાહેર સભાને સંબોધવા પહોંચેલા ફાયર બ્રાન્ડ નેતા અને તેમના પુત્ર વરુણ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
વીડિયોમાં વરુણ ગાંધી ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ ઉર્ફે સોનુસિંહ પર જોરદાર શાબ્દિક હુમલો કરતાં જણાવે છે કે તમારે કોઇ મોનુ-ટોનુથી ડરવાની જરૂર નથી. હું સંજય ગાંધીનો પુત્ર છું અને આવા લોકો પાસે તો હું મારાં જૂતાંની દોરી છોડાવડાવું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાહુબલિ મોનુ ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ ઉર્ફે સોનુના ભાઇ છે. જાહેર સભામાં વરુણ ગાંધીએ આ ઉપરાંત કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે અગાઉ સુલતાનપુરની ઓળખ હતી કે તમે અમેઠીના પાડોશી છો. મારા આવ્યા બાદ તમે દેશ-દુનિયામાં કિયાય પણ જશો તો લોકો કહેશે કે વરુણ ગાંધીવાળું સુલતાનપુર છે. આ ઓળખ મેનકા ગાંધીના આવ્યા બાદ વધુ પ્રસિદ્ધ થશે.
ર૦૧૪માં વરુણ ગાંધીએ સુલતાનપુરની બેઠક પર ચૂંટણી જીતી હતી, પરંતુ ત્યારબાદ ર૦૧૯ની ચૂંટણીમાં વરુણ ગાંધીનાં માતા મેનકા ગાંધીને આ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે, જ્યારે માતા મેનકા ગાંધીની બેઠક પીલીભીત પર વરુણ ગાંધી ઉમેદવાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



