પાસના બે કન્વીનરોની મુલાકાત કરી હાર્દિક પટેલે
સુરત,તા.૨૨
અલ્પેશ કથીરિયાના જામીન માટે છેલ્લા ૧૦ દિવસથી પાસના બે કન્વીનરો ઉપવાસ પર ઉતર્યા છે. જેની મુલાકાતે આજે હાર્દિક પટેલ આવ્યો હતો. હાર્દિકે ઉપવાસી છાવણીમાં પહોંચી જણાવ્યું હતું કે, એસટી કર્મચારી, શિક્ષકો સહિત તમામ વર્ગ સરકારથી નારાજ છે.અત્રે નોંધનીય છે કે, ગત રોજ ઉપવાસ કરી રહેલા બંને કન્વીનરોને પોલીસ સારવાર અર્થે ઉંચકી ગઈ હતી. જોકે, બંને કન્વીનરો પોલીસની નજર ચૂકવી ફરી ઉપવાસ પર ઉતરી ગયા હતા.
ઉપવાસી છાવણીમાં પહોંચેલા હાર્દિકે જણાવ્યું હતું કે, મંજૂરી સાથે કાર્યક્રમો પણ થતા નથી. અને કાર્યક્રમોની મંજૂરી પણ આપવામાં આવતી નથી. ઉપવાસ જેવા કાર્યક્રમ શાંતિથી કરીએ છીએ તો પણ સરકાર ધ્યાન આપતી નથી. આજે ગુજરાતમાં તમામ લોકો દુઃખી છે છતાંય સરકાર તેના માટે વિચારી રહી નથી તે સાબિત થઈ રહ્યું છે. બે યુવાનો ઉપવાસ પર બેઠા હોય તો સરકાર ધ્યાન ન આપે તો નવ યુવાનોએ વિચારવા જેવું છે.
એસટી કર્મચારીઓ અને શિક્ષકોની હડતાળ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, એસટી કર્મચારી, શિક્ષકો સહિત તમામ વર્ગ સરકારથી નારાજ છે. જ્યારે વિરોધમાં નાના-મોટા અવાજા ઉઠાવવામાં આવે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે. જેથી સૌએ સાથે મળીને લડવાની જરૂર છે. ભાજપ લોકોને ડરાવીને ધમકાવીને પોતાની સતા ચલાવવા માંગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




