ખારા પાણીને મીઠુ કરવા આઠ પ્લાન્ટ શરૂ કરાશે
સુરત, તા.૨૭
સુરતના પાંડેસરા જી. આઇ. ડી. સી. ખાતે રૂ. ૨.૮૬ કરોડના ખર્ચે ૯૮૮.૩૭ ચો. મી. માં તૈયાર થનાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના મકાનનું ખાતમુર્હૂત કરતા રાજયના પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, સુરત શહેર ઔદ્યોગિક વિકાસ સાથે અર્થતંત્રના વિકાસ અને રોજગારીની તકોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે, અને રાજય તેમજ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અનેરૂ યોગદાન પૂરૂ પાડે છે. ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમોમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી અસરકારક રીતે અમલી બને તેમજ પર્યાવરણની ગુણવત્તા જળવાય તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સુરત ખાતે અદ્યતન સુવિધા સહિતની પ્રયોગશાળા સાથેનું મકાન નિર્માણ પામશે.
મંત્રીશ્રીએ ઉપસ્થિત ઉદ્યોગકારોને ક્વોલિટી ઓફ પ્રોડકશનની સાથોસાથ પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણની જાળવણી પ્રત્યે ગંભીર છે. હાલમાં જ રાજય સરકાર દ્વારા ઇઝરાયલ દેશ સાથે રાજયમાં ખારા પાણીને મીઠુ કરવાના ૮ જેટલા પ્લાન્ટ કાર્યરત કરવાના એમ. ઓ. યુ. કરવામાં આવ્યા છે. ઉપરાંત દેશમાં જે રીતે પદ્ધતિસર વોટર મેનેજમેન્ટ કરવામાં આવે છે, તે જ રીતે ગુજરાતમાં પણ વોટર મેનેજમેન્ટ કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે સુરત પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ૨૭૩૫ ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીના શુધ્ધિકરણ માટે કુલ ૮ સંયુકત શુધ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે. જે પૈકીના બે સંયુકત શુધ્ધિકરણ પ્લાન્ટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવે છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા ૧૬ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્વ થયેલ ગંદા પાણીનો પુનઃ વપરાશ ઔદ્યોગિક એકમોમાં કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિવેકભાઇ પટેલ, એસ. જી. ટી. પી. એ. ના સેક્રેટરીશ્રી કમલભાઇ તુલશ્યાન, પાંડેસરા જી. આઇ. ડી. સી. ના ઉદ્યોગકારો અને જી. પી. સી. બી. ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




