વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૦મો પદવીદાન સમારોહ યોજાયો
સુરત, તા.૨૭
રાજયપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૦મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ડા. સત્યપાલ સિંહ તેમજ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આયોજિત પદવીદાન સમારોહમાં રાજયપાલશ્રીના હસ્તે વિવિધ વિદ્યાશાખામાં મેડલ અને પારિતોષિક મેળવનાર ૧૫૬ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદકો-પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જુદી જુદી શાખાના ૩૨૧૦૨ સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, યુવાશક્તિ એ દેશની જવાબદાર બૌદ્ધિક તાકાત છે. આપણા યુવાધનમાં પરિવર્તનના વાહક બનવાની સંપૂર્ણ ક્ષમતા છે. શાળા-કોલેજ અને યુનિવર્સીટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવા આહ્વાન કર્યું હતું.
વીર નર્મદ યુનિવર્સિટીની સિદ્ધિઓની સરાહના કરતાં રાજ્યાપાલશ્રીએ જણાવ્યું કે, આ વિશ્વ વિદ્યાલય અભ્યાસની સાથોસાથ ખેલકૂદમાં પણ અગ્રેસર રહી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાનું વિશ્વ વિદ્યાલયોનું દાયિત્વ છે, ત્યારે વિદ્યાર્થીએ પણ દેશ માટે બોજારૂપ નહી બનતા સામર્થ્યના પ્રતિક બની દેશને ઉચ્ચ શિખરે લઇ જવા તનતોડ મહેનત કરવાની અપીલ કરી હતી.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ડા.સત્યપાલ સિંહે જણાવ્યું હતું કે, નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ છે. તે દેશ માટે શુભસંકેત છે. જે દેશની મહિલા સુરક્ષિત અને સન્માનિત છે એ દેશ સૌથી વધુ શક્તિશાળી હોય છે. ડિગ્રીઓ મેળવીને સંતોષ માની લેવાના બદલે યોગ્યતા પ્રાપ્ત કરવામાં નહી આવે તો મેળવેલી ડિગ્રીનું કોઈ મૂલ્ય નથી. શિક્ષણ એક નિરંતર પ્રક્રિયા છે, તેથી વિદ્યાર્થીએ હંમેશા શીખતા રહેવું જોઈએ. વ્યક્તિ ક્યારેય કોઈ પણ ક્ષેત્રમાં માસ્ટર બની શકતો નથી, પરંતુ ચારિત્ર્યના ધની બનવું, શિક્ષિત બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું એ યુવાનું પહેલું લક્ષ્ય હોવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પ્રો.વાઈસ ચાન્સેલરશ્રી ડો.ભાસ્કર રાવલ, ઈ.રજીસ્ટ્રાર શ્રી એ.વી. ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



