સુરત,તા.૨૭
ભાજપના કાઉન્સિલર લાંચ લેતા પકડાયાને હજુ ગણતરીના દિવસો પણ નથી વિત્યા ત્યાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનો પુત્ર લાંચની રકમ સ્વિકારતાં રંગે હાથ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે. કાઉન્સિલરના પુત્રએ મકાનના ચાલતા બાંધકામને તોડી પાડવાની ધમકી આપીને હેરાનગતિ ન કરવા પેટે ૧૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ અન્ય બે આરોપીઓ મારફતે રૂપિયા સ્વિકારતાં એસીબીએ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વોર્ડ નંબર ૧૮, આંજણા-ખટોદરા વિસ્તારના મહિલા કોર્પોરેટર લીલાબેન ભાઈદાસભાઈ સોનવણેના પુત્ર કૃણાલ દ્વારા આ જ વિસ્તારમાં ચાલતાં મકાનના બાંધકામને તોજી ન પાડવા તથા હેરાનગતિ ન કરવા માટે પોતે વોર્ડ નંબર ૧૮ ના કોર્પોરેટરના પુત્ર થતા હોય જેથી કોર્પોરેટર માતાનાના હોદ્દાનો ડર બતાવી બાંધકામ નહીં તોડવા અને હેરાન નહીં કરવા ફરીયાદી પાસે રૂપિયા પંદર હજારની લાંચની માંગણી કરી હતી અને આરોપી નંબર બે ભટ્ટુભાઈ આધારભાઈ પાટીલને આપી જવા વાયદો કર્યો હતો. પરંતુ આ લાંચની રકમ અંગે ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી નંબર બેનાએ લાંચની રકમ ઓફિસમાં કામ કરતાં ઓફિસ બોય કિશોર આરોપી પાસે સ્વિકારી હતી. જેથી એસીબીએ ત્રણેય વિરુધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



