દિણોદ-બોરીદ્રા અને કંટવા ઉદ્દવહન સિંચાઈનું લોકાર્પણ કરતા મંત્રી વસાવા

0
10

દિણોદ, બોરીદ્રા અને કંટવાની ૪૪૮૦ એકર જમીન નવપલ્લવિત થશે : ગણપતસિંહ વસાવા
સુરત, તા.૮

માંગરોળ તાલુકાના બોરીદ્રા ગામે રૂ.૩૫.૫૭, કરોડના ખર્ચે સાકાર થયેલી દિણોદ, બોરીદ્રા અને કંટવા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ આજરોજ વન અને આદિજાતી મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ભારતની આર્થિક વ્યવસ્થા ખેતી આધારિત છે. જગતના તાત એવા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તો તેઓ જમીનમાંથી સોનુ ઉગાડવાનું સામર્થ્ય ધરાવે છે. માંગરોળ તાલુકામાં ઉનાળાના દિવસોમાં ખેડૂતોને પડતી અનેક મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજ્ય સરકારના પ્રયાસોથી દિણોદ, બોરીદ્રા અને કંટવા ઉદવહન સિંચાઈ યોજના સાકાર થઇ છે, જેનું સપ્ટેમ્બર,૨૦૧૭ માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાપી જિલ્લાના બાજીપુરાના કાર્યક્રમમાં ખાતમુહુર્ત કરાયું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, ભુતકાળની સરકારોએ આદિવાસી વિસ્તારના વિકાસ સામે દુર્લક્ષ સેવ્યું હતું, જ્યારે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આ યોજના થકી ૩૨ મીટર જેટલી ઉંચાઈએથી પાણીને લિફ્‌ટ કરીને પાણીને ખેડૂતોના ખેતર સુધી પહોચાડવા માટે રૂ. ૩૫ કરોડની આ સિંચાઈ યોજના જનસમર્પિત કરી છે એમ જણાવતાં મંત્રીશ્રીએ રાજકીય ઇચ્છાશક્તિ અને ઇજનેરી કૌશલ્યથી દુર્ગમ આદિવાસી વિસ્તારમાં પણ સિંચાઇનું પાણી પહોંચાડી શકાય છે એ વાત આજે સાબિત કરી છે. જે કાર્યનું ખાતમુહુર્ત આ સરકાર કરે છે, તેનું સમયસર લોકાર્પણ પણ કરીએ છીએ એમ ગર્વભેર જણાવ્યું હતું.
આ વિસ્તારના બહુધા આદિવાસી ખેડૂતોની વર્ષોજૂની માંગણી આખરે સંતોષાઈ છે એમ જણાવતાં શ્રી વસાવાએ ઉમેર્યું કે, ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવા આશયથી ઉકાઈ જમણાકાંઠા મુખ્ય નહેરની સાંકળ ૨૫.૧૦ કિ.મી. પાસે બે પંપીગ સ્ટેશન બનાવી ને ૨૬.૭૮ કિમી લંબાઈની મુખ્ય પાઈપ-લાઈન દ્રારા ઉદવહનથી માંગરોળ તાલુકાના દિણોદ અને બોરીદ્રા ગામના કુલ ૯ તળાવોમાં પાણી ભરવામાં આવશે. આ યોજનાથી માંગરોળના દિણોદ ગામની ૨૭૭૮ એકર, બોરીદ્રાની ૧૫૩૮ એકર અને કંટવાની ૧૬૪ એકર મળી કુલ ૪૪૮૦ એકર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી આ ત્રણ ગામોના ૧૦૪૪ ખેડૂતોને સીધો લાભ મળશે.
પુલવામા આતંકી હુમલાના શહીદોને યાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આતંકીઓના નાપાક મનસૂબા પાર ન પડે તે માટે વાયુ સેનાએ હવાઈ હુમલો કરી પુલવામા હુમલાના ગુનેગાર આતંકીઓના કેમ્પોનો ખાત્મો બોલાવી જડબાતોડ જવાબ આપ્યો છે, અને શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ઈંટનો જવાબ પથ્થરથી આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નામુમકીનને મુમકીન કરી બતાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY