સુરત,તા.૧૪
ઉધનામાં આવેલા આવાસમાં રહેતી એક ધોરણ-૮ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત નિપજ્યું હતું. દિવસ દરમિયાન ઉલટીઓ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દરમિયાન તેણીને ઝેરની અસર હોવાનું સામે આવ્યું હતું.
મૂળ મહારાષ્ટ્રના ધુલીયાની રહેવાસી મેઘના સુખદેવ વસંત(ઉ.વ.૧૩) ઉધનામાં આવેલા ભીમનગર આવાસમાં પરિવાર સાથે રહેતી હતી. અને નજીકમાં આવેલી વિદ્યાલયમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી. પિતા મજૂરી કામ અને માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત મંગળવારના રોજ માતા બિમાર પડતા દીકરી તેની જગ્યાએ ઘરકામ માટે ગઈ હતી. દરમિયાન બુધવારે સવારે ઉલટી થવા લાગી હતી. પરિવારે લિંબુ-પાણી પીવડાવતા રાહત થઈ હતી. જેથી પિતા કામ પર ચાલ્યા ગયા હતા. ત્યારબાદ માતા દીકરીને લઈને ડિંડોલીમાં આવેલા એક ક્લિનિકમાં દવા લેવા માટે ગયા હતા. જ્યાંથી દવા લઈને આવ્યા બાદ ચાર વાગ્યે મેઘનાને ઉલટી થવા લાગી હતી. અને ચક્કર ખાઈને પડી ગઈ હતી. જેથી ૧૦૮ મારફતે તેણીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી મેઘનાને ઝેરની અસર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડોક્ટરોએ સારવાર ચાલું કરી હતી. દરમિયાન રાત્રે ૧૨.૩૦ કલાકે મેઘનાનું મોત નિપજ્યું હતું. હોલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં રેટ પોઈઝન હોવાનું જાણવા મળ્યું છે. જાકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોત અંગે ચોક્કસ કારણ જાણવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





