સુરત,તા.૨૦
રાંદેર કોઝવે પરથી વેડરોડના યુવાને તાપીમાં છલાંગ મારી મોતને વહાલું કરવા કુદી પડ્યો હતો. જો કે, રાહદારીઓએ બુમાબુમ કરી લોકોને ભેગા કરી દીધા હતા. આ દરમિયાન એક સાહસિક યુવાને નજર સામે ડૂબતા યુવાનને બચાવવા તાપીમાં છલાંગ મારી જીવ બચાવી લીધો હતો. મંગળવારની રાત્રે બનેલી આ ઘટના બાદ લોકોએ જીવ જોખમમાં મૂકી તાપીમાંથી યુવાનને બહાર લાવી નવું જીવન આપનાર સાહસિક યુવાનને તાળીઓથી વધાવી લીધો હતો. નિકેત સાગલેએ લેણદારોની ઉઘરાણીથી માનસિક હતાશ થઈ આવું પગલું ભર્યું હતું. નિકેત રત્નકલાકાર હોવાનું અને એક દીકરીનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું.
મોરા ફાયર સ્ટેશનએ જણાવ્યું હતું કે, મંગળવાર રાત્રીના લગભગ ૯ઃ૨૩ મિનિટનો કોલ હતો. એક યુવાને કોઝવે પરથી તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ બાદ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં એક સાહસિક યુવાને જીવના જાખમે પાણીમાં ડૂબતા યુવાનને બચાવવા તાપીમાં છલાંગ મારી તેને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. ઘટનાની જાણ બાદ ચોક બજાર પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ તપાસમાં આપઘાતની કોશિષ કરનાર યુવાન વેડરોડ ત્રિલોક સોસાયટીનો નિકેત સંદીપ સાગલે હોવાનું અને રત્નકલાકાર હોવાનું બહાર આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





