સુરત,તા.૧૩
ચોકબજાર સ્થિત આવેલી ૧૫૦ વર્ષ જૂની ઐતિહાસિક જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરીત હોવાના એક રિપોર્ટ બાદ બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને હવે કેમ્પસમાં જ આવેલા નાના રૂમોમાં સારવાર આપવામાં ડોક્ટર મજબૂર બન્યા છે. ત્યારે હોસ્પિટલના જર્જરીત બિલ્ડીંગમાં મોતિયાના ઓપરેશન દરમિયાન દર્દીઓ અને સારવાર કરતો સ્ટાફ પણ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યો છે. તો બીજી બાજુ ઓપરેશન બાદ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાની ફરજ પડે છે.
એસવીએનઆઈટી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ તૈયાર થયેલા રિપોર્ટમાં બિલ્ડીંગને જર્જરીત ગણાવી દેવામાં આવ્યું છે. ૧૯૬૭-૬૮માં નવી સિવિલ હોસ્પિટલના ઉદઘાટન બાદ જૂની સિવિલ હોસ્પિટલની મહત્વની તમામ ઓપીડીને શિફ્ટ કરી દેવામાં આવી હતી. પરંતુ માત્ર આંખની ઓપીડી, દાંત, ચામડી અને જનરલ ઓપીડીઓ જૂની સિવિલ હોસ્પિટલમાં ચાલુ રખાઈ હતી. પરંતુ બિલ્ડીંગના રિપોર્ટ બાદ બિલ્ડીંગ ખાલી કરીને કેમ્પસના નાના રૂમોમાં હોસ્પિટલ બનાવી દર્દીઓને સારવાર અપાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




