મતદાર જાગૃતિ અંગે વેસુમાં મતદાન સુવિધા કેન્દ્રનો આરંભ કરાવાયો

0
12

યુવા વર્ગને મતાધિકારનું મહત્ત્વ સમજાવી મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે
સુરત, તા.૧૮

આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો જાગૃત્ત બની પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા વી.આઈ.પી.રોડ, વેસુ સ્થિત અવધ એરેના બિલ્ડીંગ ખાતે ‘વોટ કરેગા યુવા’ અભિયાન અંતર્ગત ‘મતદાન સુવિધા કેન્દ્ર’નું ઉદ્દઘાટન લક્ષ્મીપતિ ગૃપના ચેરમેનશ્રી સંજય સરાવગીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખા દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃત્તિ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેને લોકસભાની ચૂંટણી-૨૦૧૯ને ધ્યાનમાં રાખી આગળ વધારતાં ‘વોટ કરેગા યુવા’ અભિયાન હેઠળ વેસુ ખાતે ‘મતદાન સુવિધા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા મતદારો પોતાના બુથ નંબર, ચૂંટણીલક્ષી ઓનલાઈન વિગતો, ચૂંટણી ઓળખ કાર્ડ મેળવવાની પ્રક્રિયા, દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો અંગેની જાણકારી એક જ સ્થળેથી મેળવી શકશે. આ કેન્દ્ર દ્વારા મતદારો અને ખાસ કરીને યુવાવર્ગ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે તે માટે પ્રેરિત કરવામાં આવશે. ‘વોટ કરેગા યુવા’ અભિયાનમાં ૩૦૦ યુવાનોની ટીમ મતદાતા જાગૃત્તિ માટે અવનવા કાર્યક્રમો કરી રહી છે, દરરોજ રાત્રે ત્રણ જેટલી રેસિડેન્સીમાં જઈ મતદાન જાગૃત્તિનું નુક્કડ નાટક ભજવી લોકોને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે એમ જણાવી ‘મતદાન સુવિધા કેન્દ્ર’ લોકસભા ચૂંટણી માટે મતદાર સહાયતા કેન્દ્ર તથા ‘વોટ કરેગા યુવા’ અભિયાનના કંટ્રોલ રૂમ તરીકે કાર્યરત રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ યુવા શાખાની ટીમ દ્વારા મતદાન જાગૃત્તિ વિષય પર નુક્કડ નાટક ભજવીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના શ્રી અર્જુનલાલ ભૂત, રાહુલ અગ્રવાલ, કપિશ ખાટુવાલા સહિત મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો-યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY