સુરત,તા.૨૬
વિજળીનું ઉત્પાદન કરવું હાલ મોંઘુ થયું છે, ત્યારે પ્રાકૃતિક સ્રોતો દ્વારા વીજળીના ઉત્પાદન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સુરત મહાનગર પાલિકાએ આ દિશામાં સૌથી પહેલી શરૂઆત કરી હતી. સુરત મનપાએ પવન ચક્કી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી વીજ ઉત્પાદન ક્ષેત્રે નવી પહેલી કરી હતી. હાલ સુરત મનપાના ચાર પ્રોજેક્ટ કાર્યરત છે, ત્યારે પાંચમો પ્રોજેક્ટ નાખવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. ૧૬ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. સુરત મનપાએ અત્યાર સુધી રૂ. ૨૦૨.૨૦ કરોડનો ખર્ચ ચાર પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી ૧૨.૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં ૧૩૮.૭૪ કરોડનો ફાયદો થયો છે.
આઠ વર્ષ પહેલા રાજ્યમાં સુરત મનપા પહેલી હતી જેણે પવન ચક્કી થકી વીજ ઉત્પાદન ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. હાલ મનપાના ચાર પ્રોજેક્ટો કાર્યરત છે, ત્યારે વધુ એક પ્રોજેક્ટ નાખવા મનપાએ તૈયારી કરી લીધી છે. રૂ. ૧૬ કરોડના ખર્ચે કચ્છના નખત્રાણા ખાતે બીજા પવન ચક્કી પ્રોજેક્ટ નાખવામાં આવશે. અહીંનો પ્રોજેક્ટ ૨.૧ મેગાવોટનો છે. આ પ્રોજેક્ટથી ઉત્પાદન થનારી વીજળીનો ઉપયોગ વાલક ઇન્ટેક વેલ, ડિંડોલી ડબ્લ્યુડીએસ, વડોદ ડબ્લ્યુડીએસ, ગોડાદરા ડબ્લ્યુડીએસ અને પુણા ડબ્લ્યુડીએસ ખાતે કરવામાં આવશે.
હવા… પાણી… અને સુર્યપ્રકાશ… આ એવા કુદરતી સ્રોતો છે જે મનુષ્ય પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલતા નથી. વર્તમાન સમયમાં વિજળી ઉત્પાદન મોંઘુ થયું છે, જેથી આ કુદરતી સ્ત્રોતો થકી વીજ ઉત્પાદન કરવા તરફ લોકો વળી રહ્યા છે. જેમાં પવન ચક્કી થકી વીજળી ઉત્પાદન કરવાનો લાંબા ગાળાનું ફાયદો કરાવતો આ પ્રોજેક્ટ છે. સુરત મહાનગર પાલિકા પણ હવે આ દિશામાં આગળ વધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




