૨૦૧૩માં થયેલા દુષ્કર્મ કેસ અંગે સુરત સેશન્સ કોર્ટે સંભળાવી સજા
પિતા-પુત્ર બંન્ને આજીવન જેલમાં રહેશે,આસારામ આશ્રમની પ્રવક્તાએ કહ્યું ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારીશુંપિતા-પુત્ર બંન્ને આજીવન જેલમાં રહેશે,આસારામ આશ્રમની પ્રવક્તાએ કહ્યું ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારીશું
સુરત,તા.૩૦
સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા સ્વંય ભૂ બાબા આસારામના દીકરા નારાયણ સાંઈને મંગળવારે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ઘના કેસમાં કલમ ૩૭૬(૨), ૩૭૭ અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો. પિતા આસારામની જેમ નારાયણ સાંઈને પણ આજીવન કેદની સજા ફટકારાઈ. ત્યારે હવે વિવિધ ગુનાઓ આચરનારા પિતા-પુત્ર બંને આજીવન જેલમાં કેદ રહેશે. નારાયણ સાંઈને થયેલી આ સજાથી પીડિતાને ન્યાય મળ્યો હતો. ચુકાદા બાદ પીડિતા તથા તેનો પરિવાર ખુશ થઈને વર્ષોની જંગ બાદ ન્યાય મળ્યાની વાત કરી હતી. કોર્ટે પીડિતાને ૫ લાખ સહાય પેટે ચૂકવી આપવા મુખ્ય ગુનેગાર નારાયણ સાંઇને હૂકમ કર્યો છે.
નારાયણ સાંઈને કલમ ૩૭૬(૨), ૩૭૭ અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ ગંગા-જમનાને ૧૦ વર્ષની સજા તથા ૫ હજાર રૂપિયાનો દંડ ફટાકારાયો છે. સાધક કૌશલ ઉર્ફે હનુમાનને પણ ૧૦ વર્ષની સજા ફટાકારાઈ છે. તથા ચોથો આરોપી રમેશ મલ્હોત્રાને પણ ૬ મહિનાની તથા ૫૦૦ રૂપિયાના દંડની સજા ફટકારાઈ છે.
આસારામ આશ્રમની પ્રવક્તા નિલમ દૂબે કહ્યું કે, સેશન્સ કોર્ટના ચુકાદાને અમે સુપ્રિમ કોર્ટમાં પડકારીશું. યુવતીએ જે પણ નિવેદન આપ્યા હતા, તે મુજબ અમે સીડી, અને ફોટોગ્રાફ રજૂ કર્યા હતા. ત્યારે નારાયણ સાઈના વકીલ ગુપ્તાએ પણ કહ્યું કે, સેશન્સ કોર્ટના નિર્ણયને અમે હાઈકોર્ટમાં પડકારીશું. હાલ રેપના કેસોને સુપ્રિમ કોર્ટ બહુ જ ગંભીરતાથી લઈ રહી છે.
સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો પૂરી થતા જ જજે ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું. આ સમયે નારાયણ સાંઈ ઉભો થયો હતો. જજ દ્વારા નારાયણ સાંઈને પૂછવામાં આવ્યું કે, કશું કહેવું છે? નારાયણે કહ્યું હા, મારે કંઈક તો કહેવુ જ છે. ત્યારે નારાયણ સાંઈ પોતાના વકીલ ગુપ્તા પાસે ગયા હતા. પણ, વકીલે તેમને બેસાડી દીધા હતા. જજે નારાયણ સાંઈને કહ્યું હતું કે, તમારે જે પણ કહેવુ હશે તે હમણા જ કહી શકશો, ચુકાદા બાદ કંઈ જ નહિ શકશો. આમ, નારાયણ સાંઈ સતત કોર્ટમાં દલીલ અને અપીલ કરવા માંગતા હતા, જેની તેમના વકીલે ના પાડી હતી.
ચુકાદા બાદ પાંચેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા હતા. નારાયણ સાંઈ અત્યાર સુધી સુરતની લાજપોર જેલના કેદી સી-૬ નંબરના કેદી હતા. તે અત્યાર સુધી કાચા કામનો કેદી હતો. પણ હવે ચુકાદા બાદ તે પાકા કામનો કેદી બની ગયો છે. જેથી હવે જેલમાં તેનો નંબર પણ બદલાઈ જશે. કરોડો રૂપિયામાં આળોટતા અને પોતાને કૃષ્ણ કહીને રાસલીલા રચાવતા નારાયણ સાંઈ હવે જીવશે ત્યાં સુધી જેલના સળિયા પાછળ રહેશે.
૨૬ એપ્રિલના રોજ નારાયણ સાંઈને ૨૦૧૩ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કરાયો હતો. સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ ૨૦૧૩ ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ હરિયાણાના કુરુક્ષેત્રની પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે નારાયણ સાંઈ ઉપરાંત ૪ સહયોગીઓ ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, ભાવના ઉર્ફે જમુના, રાજકુમાર ઉર્ફે રમેશ મલ્હોત્રા અને પવન ઉર્ફે હનુમાનને પણ દોષિત જાહેર કર્યાં છે. સાંઈને આપીસીની ધારા ૩૭૬ (બળાત્કાર), ૩૭૭ (અપ્રાકૃતિક દુરાચાર), ૩૨૩ (હુમલો), ૫૦૬-૨ (અપરાધિક ધમકી) અને ૧૨૦-ખ (ષડષંત્ર) અંતર્ગત દોષિત જાહેર કરાયો છે. આ મામલામાં કુલ આરોપી હતી, જેમાંથી ૬ને મુક્ત કરાયા છે.
નારાયણ સાંઈના વકીલને તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સાંઈએ પાંચથી વધુ વર્ષ જેલમાં વિતાવ્યા છે, તેથી તેને ઓછી સજા થવી જાઈએ. તો આ વચ્ચે જ નારાયણ સાંઈને લખવા માટે કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. નારાયણ સાંઈએ વકીલ મારફતે જજને લખ્યો પત્ર છે. પોતાને દોષિત જાહેર કર્યા તે બાબતનો ઉલ્લેખ તેણે પત્રમાં કર્યો છે. તેણે પત્રમા લખ્યું કે, દોષિત જાહેર કાર્ય બાબતે પુનઃ વિચાર કરવામાં આવે. અમને સાંભળીને સત્ય બહાર લાવવામાં આવે. યોગ્ય ચકાસણી કાર્ય બાદ ન્યાય કરવામાં આવે. આમ, કોર્ટે નારાયણને દોષિત જાહેર કર્યા બાદ જજને લેખિતમાં અપીલ કરાઈ.
તો બીજી તરફ સરકારી વકીલે દલીલમાં કહ્યું કે, નારાયણ સાઈ ધર્મગુરુ છે, ગુરુનુ સ્થાન પિતા અને ભગવાન કરતા પણ વધુ છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ હતા. ત્યારે તેઓ આવુ કૃત્ય કરે તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી વકીલે આજીવન કારાવાસની મંગણી કરી છે. સાથે જ પીડિતાને ૨૫ લાખના વળતરની માંગણી કરી છે. સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, ૩૦ વર્ષની ઉંમરીથ સાંઈ પ્રવચનો આપતા હતાં, જેમને આરોપી પક્ષના કહેવા પ્રમાણે ઇમેચ્યોર હતાં. ૩૦૭(૨) ની કલમ ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો સામે લગાવાય છે.
આવા લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને તેથી જ તમને કડક સજા થવી જોઈએ. દેશમાં ૨૦૧૦માં ૨૨૧૭૨, ૨૦૧૧માં ૨૪૨૦૬, ૨૦૧૨માં ૨૪૯૨૩, ૨૦૧૩માં ૩૩૭૦૭ અને ૨૦૧૫માં ૩૪૬૫૧ બળાત્કારના ગુનાઓ બન્યા છે. ફરિયાદીએ ટ્રાયલ દરમિયાન પણ ઘણું સહન કર્યું છે. ભારત આસ્થાઓનો દેશ છે, જેમાં દરેકે ધર્મ, જાતિના લોકો જોડાયેલા છે. આસારામ અને નારાયણના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. ગુરુનું સ્થાન ભગવાન અને પિતા કરતા ઊંચું સ્થાન ધરાવે છે, અને જો તે જ વ્યક્તિ આવું કરે તો તેને ક્યારેય છોડી શકાય નહિ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



