સુરત,તા.૨૯
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ સાથે ગેરવર્તન કરી બાદમાં બિભત્સ ગાળો આપનાર અલ્પેશ કથીરિયાની ધરપકડને પગલે પાસ સમર્થકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. અલ્પેશ કથિરિયા ને કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે કોર્ટ સંકુલમાં ‘ જય સરદાર’ અને ‘ જય પાટીદાર’ ના નારા લગાવનાર ૪૦ થી ૫૦ અજાણ્યા વિરુદ્ધ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે .જ્યારે ફેસબુક ઉપર શહેરની શાંતિ ડહોળાઈ તેવી પોસ્ટ મૂકનાર રાજ પાટીદાર નામના ફેસબુક યુઝર વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં ગત સવારે નો પાર્કીંગ એરિયામાંથી વાહન ઊંચકી રહેલી ટ્રાફિક પોલીસ સાથે જીભાજાડી અને ઝપાઝપી કરી ઘર્ષણ કર્યા બાદ અટકાયત કરેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ વરાછા પોલીસ મથકમાં પોલીસ સાથે ગેરવર્તન કરી ગાળો આપી હતી. વરાછા પોલીસે તેની ધરપકડ કરતા પાસ સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થઇ ગયા હતા અને શહેરની શાંતિ ડહોળાઈ તેવા પ્રયાસો થયા હતા .
ધરપકડ કરાયેલા અલ્પેશ કથિરિયા ને સાંજે જ્યારે કોર્ટ કાર્યવાહી માટે નવી કોર્ટ બિલ્ડિંગમાં જવાયો હતો ત્યારે ત્યાં પણ સમર્થકોનું ટોળું પહોંચી ગયું હતું. કોર્ટ કમ્પાઉન્ડમાં ૪૦ થી ૫૦ જેટલા સમર્થકોએ પોલીસની સૂચના છતાં વિખેરાઇ જવાને બદલે ‘ જય સરદાર ‘ અને ‘ જય પાટીદાર ‘ના નારા લગાવી કાયદાનો ભંગ કરતા ઉમરા પોલીસ મથકના પીએસઆઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ તરફ હંમેશની જેમ સોશિયલ મીડિયા ઉપર પણ અલ્પેશ કથીરિયાના સમર્થનમાં સમર્થકો ઉતરી આવ્યા હતા. તે પૈકી રાજ પાટીદાર નામના ફેસબુક યુઝરે શહેરની શાંતિ ડહોળાય તેવો ભડકાઉ મેસેજ પોતાની વોલ ઉપર મૂક્્યો હતો. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ પરેશ સાહેબ રાવે રાજ પાટીદાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



