સુરતના ભક્તોને સત્સંગમાં તરબોળ કરી પૂ.મહંત સ્વામીની ભાવપૂર્ણ વિદાય

0
7

પૂ. મહંત સ્વામીએ ૧૧ દિવસ સુધી ભક્તો પર ભક્તિની હેલી વર્ષાવી
સુરત, તા.૧૭

સાધુતાના સૂમેરુ પ.પૂ. મહંત સ્વામી મહારાજનું ૧૦ દિવસનું સુરતમાં રોકાણ ગઈકાલે પૂર્ણ થયું હતું. ગઈકાલે વહેલી સવારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના અંતિમ દર્શન થયા હતા. જેનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટ્‌યું હતું. સુરતની ભાવિક જનતા ઉપર સત્સંગ ભક્તિની હેલી વર્ષાવીને અદ્ભૂત દિવ્ય અને અવિસ્મરણીય સ્મૃતિ આપીને પ.પૂ. સ્વામી વિદાય થયા હતા.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ તા.૬-૫-૨૦૧૯ના રોજ સુરતને આંગણે પધાર્યા હતા. આ રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ સૌ ભક્તોને સત્સંગ ભક્તિની લ્હાણી કરાવી હતી. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી તમામ વર્ગના ભક્તોને સ્વામીશ્રીએ આધ્યાત્મિક પિયુષ પાયા, નિયમ ધર્મની દૃઢતા કરાવી, સંયમ સમર્પણના પાઠ શીખવ્યા તથા સત્સંગનું જતન કરતા શીખવ્યું. કેટલાકને હાથના લટકાથી તો કેટલાકને આંખના મટકાથી સ્વામીશ્રીએ આધ્યાત્મિક સુખની અનુભૂતિ કરાવી હતી. સુરતના પ્રેમી ભક્તોની ભક્તિને પ.પૂ. મહંત સ્વામી મહારાજે સતત ૧૧ દિવસ સુધી સ્વીકારીને અદ્ભૂત લાભ આપ્યો હતો. શિશુઓ, બાળકો, યુવાનો વૃદ્ધો તમામને સ્વામીશ્રીએ સમાંતર સુખ આપ્યું હતું. દરરોજ એજ ઉત્સાહ અને ઉમંગ સાથે હજારો ભાવિક ભક્તો સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દિવ્ય દર્શનનો લાભ લેવા ઉમટી પડતા હતા. સંતો, યુવકો, બાળકોના મુખે મધુર કીર્તનગાન, બાળકો યુવાનો દ્વારા વચનામૃત ગ્રંથના મુખપાઠ સાથે સ્વામીશ્રીના આ દિવ્ય પરાભક્તિ દર્શન કરી સૌ ધન્ય થયા હતા.
ઉપરાંત તા.૭-૫-૨૦૧૯, અખાત્રીજના પવિત્ર દિને પ.પૂ. સ્વામીશ્રીએ સુરતના કણાદ ગામ ખાતે નિર્મિત થનાર ભવ્ય અને કલાત્મક શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ કરી સુરતની ભાવિક જનતાને અણમોલ ભેટ આપી હતી. આ મંગલ પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું હતું. જાતજાતામાં મંદિર બની જશે, અને સૌ કોઈને અંતરમાં શાંતિ થશે. પ.પૂ. સ્વામીના સાંનિધ્યમાં ભવ્ય રવિસભા, બીએપીએસ, યુવાતાલીમ કેન્દ્રનો પદવીદાન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ સભાઓમાં વિવિધ મધ્યમવર્તી વિચાર સાથે રજૂ થતા કાર્યક્રમોમાંથી હરિભક્તોએ આધ્યાત્મના વિવિધ પાઠો દ્રઢાવ્યા હતા અને સ્વામીશ્રીએ પોતાની અમૃતવાણી દ્વારા તેની વિશેષ પૃષિ્ કરી હતી. હજારો હરિભક્તોએ આદર્શ બાળક બનવાથી લઈને સંયમી સદાચારી યુવાન, મંગલ ઘર, અભાવ અવગુણ, રહિત જીવન બનાવવાની પ્રેરણા મેળવી હતી.
આવો ૧૧ દિવસીય ભક્તિ મહોત્સવ ગઈકાલે પૂર્ણ થયો હતો. સુરતના માયાળુ અને પ્રેમી હરિભક્તોનો પ્રેમ અંગીરા કરીને સ્વામી સુરતથી ગઈકાલે વિદાય થયા હતા. વહેલી સવારે પ્રાતઃ પૂજાના દર્શન આપીને સ્વામી બપોરે ૪ કલાકે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, અડાજણ, ખાતેથી વિદાય લીધી હતી અને નડિયાદ જવા રવાના થયા હતા. સ્વામીની વિદાય વેળાએ વાતાવરણ થંભી ગયું હતું. મંદિરે ઉપસ્થિત હજારો હરિભક્તોએ પોતાના પ્રાણ પ્યારા ગુરૂહરીને ગદગદ કાંઠે જલ્દીથી પુનઃ પધારવા પ્રાર્થના કરી હતી. કરૂણાનિધિસ્વામીએ પણ ભકતોનો પ્રેમ અંગીકાર કરતા કરતા વિદાય થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY