સુરત,તા.૧૮
સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા શહેરના મોટા વરાછા વિસ્તારમાં ડાયનોસોર પાર્ક બની રહ્યું છે. જુલાઈના અંત સુધીમાં અહીં ડાયનોસોરની ત્રણ વિશાળ રેપ્લિકા મૂકવામાં આવશે. સુરતમાં મૂકાનારા આ ડાયનોસોર હાલ વડોદરામાં બનાવાયા છે. આ પાર્ક સ્વિમિંગ પૂલ નજીક ૪૨૦૦ ચોરસ મીટર જમીન પર બનાવાઈ રહ્યો છે.
ડાયનોસોર યુગના ત્રણ અલગ-અલગ સમયગાળાના ત્રણ ડાયનોસોરના મોડેલ આ પાર્કમાં મૂકવામાં આવશે. વડોદરાના આર્ટિસ્ટ સુનિલ શ્રીધર દ્વારા તેને બનાવાયા છે. ફાઈબર ગ્લાસ તેમજ સ્ટીલ ફેબ્રિકેશન દ્વારા તેનું કાસ્ટિંગ કરાયું છે. ૪૦૦ કિલો ફાઈબર અને મેટના છ રોલને સ્ટીલના સ્ટ્રક્ચર પર મૂકી આ ડાયનોસોર તૈયાર કરાયા છે.
ડાયનોસોર બનાવનારા આર્ટિસ્ટ શ્રીધરના જણાવ્યા અનુસાર તેમણે ત્રણ અલગ-અલગ પ્રકારના ડાયનોસોર બનાવ્યા છે. જેમાં કેર્નિવોર અને હર્બિવોર પાંખો ધરાવતા ડાયનોસોર્સ હતા. તેમના અલગ-અલગ ત્રણ મોડેલ બનાવવાનો હેતુ લોકોને એ વાતની જાણકારી આપવાનો છે કે માનવજાત પૃથ્વી પર વિકસિત થઈ તે પહેલા કેવા વિશાળ સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા.
એસએમસીના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, ત્રણેય રેપ્લિકા સુરત આવી પહોંચી છે અને તેને સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવી છે. પાર્કમાં ગાર્ડનિંગનું કામ પૂરું થયા બાદ તેને ત્યાં મૂકવામાં આવશે. ત્રણ ડાયનોસોર્સને બનાવવા પાછળ ૧૨ લાખ રુપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



