સુરત અગ્નિકાંડના મૃતકોના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી રૂપાણી

0
11

સુરતની આગની દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા ફોરેન્સિક સાયન્સ એકસપર્ટની મદદ લેવાશે
સુરત, તા.૨૫

સુરત શહેરના સરથાણા વિસ્તારના તક્ષશિલા કોમ્પલેક્ષમાં ટયુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગતરોજ સુરત આવી પહોંચ્યા હતા. તેમણે મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.. તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી ઈજાગ્રસ્તોને અપાતી સારવારની વિગત મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ સ્મીમેર હોસ્પિટલ અને ત્યારબાદ સરથાણાની સ્પાર્કલ હોસ્પિટલ તથા પી.પી.સવાણી હોસ્પિટલ પર પહોંચી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકોના ખબર-અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સઘન તપાસના આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્‌ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતની આ આગની દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે, અને આ ઘટનામાં જવાબદાર પરિબળો અને કારણોના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવા માટેના પણ આદેશો કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ઘાયલોની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પણ દુર્ઘટનાથી વાકેફ કર્યા છે. જરૂર પડે દિલ્હી સુધી પણ સારવાર કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY