સુરત,તા.૨૨
ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે વહેલી સવારની સાત જેટલી વિમાની સેવાને અસર થઈ હતી. ધુમ્મસને કારણે દિલ્હી અને જેસલમેરથી સુરત આવતી ત્રણ ફલાઇટને ડાઇવર્ટ કરવી પડી હતી. જેમાં દિલ્હીથી આવતી ૨ ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી. જ્યારે જેસલમેરથી સુરત આવતી ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરાઈ હતી. તો એક ફ્લાઈટ દિલ્હીથી જ બે કલાક મોડી આવી હતી. જા કે, ધુમ્મસના ચક્કરમાં ફલાઇટો મોડી આવવાને કારણે અને સુરતથી જેસલમેરની ફ્લાઈટ રદ કરવાને કારણે એરપોર્ટ પર સંખ્યાબંધ પ્રવાસીઓ અટવાયા હતા.
સુરત એરપોર્ટ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પવનની દિશા ઉત્તરના બદલે દક્ષિણ દિશાની થતા એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે એર ઈન્ડિયાની ૭.૦૫ કલાકે સુરત લેન્ડ થતી દિલ્હી-સુરત ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. જે અમદાવાદથી ૧૧.૩૦ કલાકે સુરત આવી હતી. તેવી જ રીતે સ્પાઇસ જેટની દિલ્હી-જયપુર-સુરત ફલાઇટ ૭.૪૫ કલાકે સુરત લેન્ડ કરાવવાના બદલે મુંબઈ ડાયવર્ટ કરીને પછી ૧૧.૩૪ કલાકે સુરત એરપોર્ટ પર તેનું લેન્ડિંગ થયું હતું. ઇન્ડિગોની દિલ્હી-સુરત ફલાઇટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આમ સુરત એરપોર્ટ પર એકસાથે ત્રણ ફલાઇટ મોડી પડતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




