મોદીએ ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કર્યું
કચ્છ અને કેવડિયાની જેમ દાંડીમાં પણ પ્રવાસીઓની વણઝાર ચાલવી જોઈએ,દાંડી સત્યાગ્રહે દેશને એક કર્યો,ગાંધીજીની વાતો કરનારા તેના મુલ્યોને ઘોળીને પી ગયાં હોય તેવું લાગે છે
સુરત,તા.૩૦
દાંડીમાં નમક સત્યાગ્રહનું રાષ્ટ્રાપર્ણ કરવા આવેલા નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સ્મારકની મુલાકાત લીધી હતી. અને એક એક બાબતની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને પોતાના સૂચનો રજૂ કર્યાં હતાં. બાદમાં જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં નકારાત્મક વિચારવાવાળો એક વર્ગ ગાઁધીજી વખતથી છે. તેઓ નમક સત્યાગ્રહને નાનો માનતાં પણ અંગ્રેજાની સલતનત જતી રહી. આ ગાંધીજીના વિચારોને અમર કરતું સ્મારક આવનારા દિવસોમાં તિર્થક્ષેત્ર બનશે અને લોકોને રોજગારી આપવા માટેનો નવું પ્રવાસન સ્થળ બનશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દાંડી મીઠાના સત્યાગ્રહના કારણે દેશ અને દુનિયાના લોકોની ભારત તરફની વિચારસરણી બદલી હતી. પશ્ચિમના લોકોને આ વાત ગમી હતી. દુનિયાએ નોંધ લેતા ગાંધીજીનો ફોટો ૧૯૩૦માં ટાઈમ મેગેઝીને કવર પેજ પર છાપ્યો હતો. અને પર્સન ઓફ ધ યર બનાવ્યાં હતાં. માત્ર વિરોધથી આંદોલન શક્યા ન બન્યું હોત પરંતુ આ યાત્રાના કારણે લોકોમાં એકતા વધી હતી. દાંડી સાથે અન્યાય વર્ષો સુધી થયો પરંતુ અમારી સરકારે ગાંધીજી અને સરદારની પ્રતિમાઓ બનાવી જેનો પણ લોકો વિરોધ કરી રહ્યાં હતાં. આવું ભારતમાં જ બને અમેરિકામાં તેની પ્રતિમા કે બ્રાઝીલમાં એફિલ ટાવરનો વિરોધ નથી થતો. આ સ્મારકોથી આસપાસમાં રોજગારીના નવા અવસરો અને ખાસ કરીને પ્રવાસન વિકસતા દેશ પરદેશથી લોકો અહિં આવી રહ્યાં છે.
મોદીએ સભાન સંબોધતા આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમે ગાંધીજીના મુલ્યો સાથે સ્વચ્છ ભારત અને શૌચાલયની વાતો કરી તો અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. પરંતુ હવે દેશમાં ૯૮ ટકા સુધીનું કામ પહોંચી ગયું છે. ત્યારે ગાંધીજીની વાતો કરનારા તેના મુલ્યોને ઘોળીને પી ગયાં હોય તેવું લાગે છે. સાથે જ મોદીએ કહ્યું કે, નેગેટીવીટીથી ભરેલા લોકો માત્ર સ્વાર્થ જ જુએ છે જ્યારે અમે દેશ માટે કામ કરીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



