સુરત જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર
બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોએ ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રથી ઓનલાઈન અરજી કરવી
સુરત, તા.૧૨
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂત પરિવારને સહાયરૂપ થવા માટે “પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ (PM-KISAN)” યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, આ યોજના હેઠળ કુલ ર(બે) હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપત્ર થશે. પ્રથમ હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. આ યોજના હેઠળ જમીનધારક કુટુંબ એટલે કે પતિ, પત્નિ અને સગીર બાળકો (અઢાર વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેકટર સુધી ખેડાણલાયક જમીન ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. જમીન ધારકતા અંગે તા.૧/રા૨૦૧૯ ની સ્થિતિએ ખેડૂત તરીકે નોંધણી થયેલ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકાર દ્વારા નક્કી થયેલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે માટે ખેડૂતમિત્રોએ સબંધિત ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રી, વીસીઈ (ગ્રામ્ય કોમ્યુટર સાહસિક)નો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતના જમીનના ખાતા નંબર, આધારકાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક રજૂ કરવાના રહેશે.
આ યોજનાનો લાભ નીચેના વ્યક્તિઓને મળી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરાઇ છે. જે મુજબ પરિવારમાંથી કોઇ એક વ્યક્તિ વર્તમાન કે ભૂતપૂર્વ વૈધાનિક પદ ધરાવતા હોય, વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન કે ભૂતપૂર્વ લોકસભા/રાજ્યસભા/વિધાનસભાના સભ્ય, વર્તમાન કે ભૂતપૂર્વ મહાનગરપાલિકના મેયરશ્રી અને વર્તમાન કે ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ વર્ગ-૪, સિવાયના અને ખાનગી સંસ્થાઓ સિવાયના તમામ કર્મચારીઓ વયનિવૃત્ત નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિ માસ રૂ.૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતાં હોય, આવકવેરો છેલ્લા એક વર્ષ દરમ્યાન ભરેલ હોય,
પરિવારમાંથી કોઇ ડોકટર, એન્જિનીયર, વકીલ, ચાર્ટડ ઍકાઉન્ટન્ટ હોય કે આર્કિટેક્ટ હોઇ તેવા પરિવારોનો આ યોજનામાં સમાવેશ થઇ શકશે નહીં.
સુરત જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ મેળવવા માટે તાત્કાલિક સબંધિત ગ્રામ પંચાયત ખાતે જરૂરી સાધનિક કાગળો સાથે રૂબરૂ જઈ પોતાની ઓનલાઈન અરજી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




