વાપીથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂ લઇને ચઢેલી બે મહિલા ખેપીયણના મુદ્દે ગુરૂવારે મહિલા પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યા હોત. બંને સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે ચેઇનપુલીંગ કરાયું હતું અને ફરજ પરના પોલીસ જવાનોની નેઇમપ્લેટ પણ ખેંચી કાઢી હતી. ઘટના અંગે આરપીએફ-જીઆરપીના મહિલા સહિત ચાર કોન્સટેબલ, ટ્રેનના ટીટીઇ, બે મહિલા ખેપીયણ અને પ્રવાસીઓના ટોળા વિરુધ્ધ એમ કુલ ચાર અલગ-અલગ ગુના દાખલ કરાયા છે. રેલવે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાપીથી મહિલા કોચમાં ચઢેલી આ બંને મહિલાઓની ઝડતી લેવા પ્રવાસીઓએ ફરજ પરના સ્ટાફને કહયું પણ મહિલા આરપીએફનો સ્ટાફ ન હોવાથી ઇન્કાર કરાયો હતો. જેથી ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી ત્યાં સુધી પ્રવાસી મહિલાઓએ માથાકૂટ ચાલુ રાખી હતી તેમજ પોલીસ જવાનોની નેઇમપ્લેટ પણ ખેંચી લીધી હતી. ટ્રેન સુરત સ્ટેશને રાતે ૧૦ વાગ્યે પહોંચ્યા બાદ પ્લેટફોર્મ નંબર-૧ ઉપર ભારે હોબાળો મચાવી પોલીસ જવાનો, ટીટીઇ અને ખેપીયણ સામે ગુનો દાખલ કરવાની હઠ પકડી હતી. જોકે, પ્રવાસીઓએ જાતે ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતા પોલીસને જ ફરિયાદ બનવા કહયું હતું. ટ્રેન ઉપડવાનો સમય થયો પણ ચેઇનપુલીંગ કરીને ટ્રેન અટકાવી દેવાયા બાદ સવા કલાક સુધી સ્ટેશન પર જ રોકી રખાઇ હતી.પોલીસ અધિકારીઓ અને રેલવે પોલીસ અધિકારીઓ સાથે પણ પ્રવાસીઓએ માથાકૂટ કરીને ગેરવર્તુણૂંક કરી ગુનો નોંધવાની હઠ પકડી રાખી હતી. ખેપીયણ મહિલાઓ પાસેથી ૩-૪ દારૂની બોટલ લઇને ફોડી નાંખીને પોલીસ ઉપર ફેકવામાં પણ આવી હતી. જોકે, ભારે સમજાવટ બાદ ટ્રેનને રવાના કરાઇ હતી. બાદમાં ઘટના અંગે રેલવે પોલીસે પ્રવાસીઓના ટોળા વિરુધ્ધ સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક, આરપીએફ અને જીઆરપીએફના ફરજ પરના સ્ટાફ સામે યોગ્ય કાર્યવાહી નહી કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તેમજ બે મહિલા ખેપીયણ સામે પ્રોહિબિશન હેઠળ અને પ્રવાસીઓ સામે ચેઇનપુલીંગ અંગે ગુનો નોંધ્યો હતો. પ્રવાસીઓએ દારૂ સાથે મહિલાઓને પકડયા બાદ પણ પોલીસે ગુનો નહી નોંધતા તમામ વિફર્યા ટ્રેનોમાં દારૂની છડેચોક હેરાફેરી થાયછે એ જગજાહેર છે. પણ ગતરાતે કચ્છ એક્સપ્રેસના મહિલા કોચમાં બે મહિલા ખેપીયણને દારુ સાથે પકડીને પ્રવાસીઓએ મચાવેલા હોબાળાને કારણે પોલીસની આબરૂના લીરા ઉડી ગયા છે. દારુની હેરાફેરી પર અંકુશ આવ્યાના દાવા વચ્ચે પરિસ્થિતિ શું છે ? તે ગતરાતે ઉજાગર થયું હતું. દારુની હેરાફેરી માટે ટ્રેનના માધ્યમનો બિન્ધાસ્ત ઉપયોગ થાય છે. પણ તંત્ર કશું કરી શકતું નથી તે સામે પ્રવાસીઓના આક્રોશ છે. પકડાયેલી બે ખેપીયણ સામે ગુનો નોંધવાનો પ્રવાસીઓનો આગ્રહ હતો પણ પોલીસ તેમ નહી કરતા પ્રવાસીઓ વિફર્યા હતા. સુરત સ્ટેશને પ્રવાસીઓએ દારૂ અંગે ફરિયાદ આપી નહોતી તેમજ આગળ વડોદરા સ્ટેશને પણ પ્રવાસીઓ ફરિયાદી બન્યા નહોતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"