ટ્રમ્પ ઉત્તર કોરિયા બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે લાવશે ખરા…!!?

0
25

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જાન્ગ ઉનની સિંગાપોરની શિખર પરિષદે, વિશ્ર્વશાંતિનું નવું શિખર સર કર્યું છે. અશક્ય અને મુશ્કેલ ગણાતી બેઠકમાં થયેલી સમજૂતીઓએ ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે.
ટ્રમ્પ તો કેનેડાથી જી-૭ દેશોની બેઠક પૂરી થાય ન થાય અને સિંગાપોર જવા રવાના થયા ત્યારે પણ એટલા આશાવાદી નહોતા કે, કિમ જાન્ગ સાથેની બેઠક સફળ થશે! પણ કિમ જાન્ગે એ સફળ બનાવી.
ટ્રમ્પ માટે આ બંને વડાઓ વચ્ચેની બેઠક સફળ થાય એ કેટલાંક આંતિરક અને કેટલાંક આંતરરાષ્ટ્રીય જરૂરી કારણો હતાં. એક તો તેમણે યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એવું વચન આપ્યું હતું કે તેઓ ૧૯૫૦થી દક્ષિણ કોરિયામાં રહેતા પોતાના દેશના ૩૦ હજાર સૈનિકોને પાછા અમેરિકા લાવશે. એ વચન તેમણે પૂરું કરી બતાવી પોતાના દેશની જનતાના દિલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું અને વર્ષોથી અણુશસ્ત્રોના ઉત્પાદનના કારણે વિશ્ર્વમાં કોઈને ન ગાંઠતું ઉત્તર કોરિયા સંપૂર્ણપણે અણુમુક્ત બનવા આ બેઠકમાં તૈયાર થઈ ગયું. આ બીજી સોગઠીના કારણે ટ્રમ્પની ખ્યાતિ વિશ્ર્વભરમાં વધી ગઈ.
કોઈને ન ગાંઠતા ઉત્તર કોરિયાને વશમાં રાખવા અમેરિકા દક્ષિણ કોરિયામાં યુદ્ધ ક્વાયતો વર્ષોથી કરતું રહ્યુ દક્ષિણ કોરિયા સાથેના સંરક્ષણ કરારના કારણે ત્યાં તેની ‘મિલિટરી ડ્રિલ્સ’ ચાલુ જ રહેતી હતી, જે ઉત્તર કોરિયાને સતત ખૂંચ્યા કરે તેમ હતું. સૌ પ્રથમ દક્ષિણ અને ઉત્તર કોરિયાના નેતાઓ મળ્યા અને શાંતિ પ્રિય વાતાવરણ ઊભું કર્યું, અને ત્યાર પછી ટ્રમ્પ અને કિમ જાન્ગ વચ્ચેની આ બેઠક પણ સફળતાને વરી. હવે અમેરિકા દક્ષિણ કોરિયામાંથી પોતાનું લશ્કર પાછું ખેંચી લેશે અને ઉત્તર કોરિયાની શરત માન્ય રાખી રક્ષણ કરવાના ટ્રમ્પે કરાર કર્યા.
સિંગાપોરની આ બેઠકની ફળશ્રુતિ પછી આખું વિશ્ર્વ એક મોટો બદલાવ જાશે, કારણ કે બંને નેતાઓએ વિશ્ર્વને કનડતી એક ભયંકર સમસ્યા અંગે સમાધાન સાધવાનું મોટું કામ કર્યું.
આપણે આ ઊભી થયેલી નવી સ્થતિમાં શું મેળવશું કે શું ગુમાવશું? ભારતને હવે મોટી આશા બંધાશે. સૌથી અગત્યની અને મહત્વની બાબત એ હશે કે, પાકિસ્તાનને તેના અણુ અને મિસાઈલ પ્રોજેક્ટમાં ઉત્તર કોરિયા દ્વારા કરાતી મદદ બંધ કરવાની ભારતની વર્ષોની વિનંતીને માન્ય કરાય. આ અંગેના પ્રયાસો ઘણા વર્ષોથી થઈ રહ્યા છે.
ભારત અને ઉત્તર કોરિયાના સંબંધોમાં ભારતનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે. ૨૦૧૦માં પડેલા ભયંકર દુષ્કાળના કારણે ઉ. કોરિયાના લોકોને ખાવા માટે અનાજ નહોતું. તે વખતના ત્યાંના વિદેશ પ્રધાને કરેલી વિનંતીના પગલે ભારતે નવસો ટન સોયાબીન અને ૩૭૩ ટન ઘઉં મોકલી આપ્યા હતા.
ત્યાર પછી તો પ્યોંગયાંગમા શિક્ષણ સહાય તરીકે કેન્દ્ર સરકારે બે હજાર યુરો ગ્રાન્ટ-ઈન એઈડ તરીકે આપીને કોરિયા-ઈન્ડીયા ફ્રેન્ડશીપ એસોસિયેશન સ્કૂલ શરૂ કરાવી હતી. એ સ્કૂલને સ્ટેશનરીની તાતી જરૂરત ઊભી થઈ, બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ પણ નહોતું તેમની પાસે – એ બધી વ્યવસ્થા ભારતે કરી આપી હતી.
તે વખતે ઉત્તર કોરિયા સાવ એકલો પડી ગયેલો દેશ હતો, પણ ભારતે ત્યાં યોજાયેલા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરને ‘થીમ ઈન્ડીયા’ નામ આપીને ચાર ચાંદ લગાડી દીધા હતા અને સૂત્ર આપ્યું કે, ‘ડાયનેમિક બિઝનેસ પાર્ટનર ફોર ધ ડેમોક્રેટિક પિપલ્સ રિપબ્લિક આૅફ કોરિયા’ એ ઉપકાર ગણીને ઉ. કોરિયાએ ભારતની સહિષ્ણુતા માણી છે. સાત વર્ષ પહેલાં તેના કારણે જ એક્સટર્નલ અફેર્સ મંત્રાલયમાં ઈસ્ટ એશિયાનો હવાલો સંભાળતા જાઈન્ટ સેક્રેટરી ગૌતમ બમ્બાવલેએ ઉત્તર કોરિયાના કાને વાત નાખી હતી કે ભારત સરકાર, તમે જે પાકિસ્તાનને ન્યુક્લિયર અને મિસાઈલ માટે સહાય કરો છો, તેની ચિંતા થાય છે. એ બાંધેલો દોર હવે રાજ્ય કક્ષાના પ્રધાન વી. કે. સિંહે હાથમાં લીધો છે. ૧૯૯૦માં ચીને જ્યારે પાક.ને એ જ બાબતે સહકાર આપવા તૈયારી બતાવી હતી ત્યારે ભારતે વૈશ્ર્વિક સ્તરે પીઠબળ મેળવીને ચીનને અટકાવ્યું હતું. હવે કિમ જાન્ગ ઉનનો વારો! એ અમેરિકા અને બાકીના વિશ્ર્વ સાથે જાડાય એટલે ચીન જેવું જ પુનરાવર્તન થવાની આશા રાખી શકાય.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY