ઉપલેટા,તા.૩૦
ઉપલેટામાં પોરબંદર રોડ પર એક શખ્સ બીજા શખ્સને ભરબપોરે જાહેરમાં કુહાડીના ઘા ઝીંકતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બે સાઢુભાઈ વચ્ચે કોઈ જૂની અદાવત લોહીયાળ બની ગઈ હતી. જેમાં હુમલાખોરે સગા સાઢુભાઈને ઝનૂનથી જાહેરમાં કુહાડીઓ ઝીંકી હતી. આ ઘટનામાં ઘાયલ શખ્સને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
મળતી માહિતી અનુસાર, ૧૫ દિવસ પહેલા ભાયાભાઈએ વિજયભાઈ પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જેનો ખાર રાખીને આજે વિજયભાઈએ તેના પિતા કરશનભાઈ સોલંકી સાથે મળીને ભાયાભાઈ પર જાહેરમાં કુહાડી વડે હુમલો કર્યો હતો. ઉપલેટામાં પોરબંદર રોડ પર સિયારામ હોટેલ પાસે આ લોહીયાળ ખેલ ખેલાયાની ઘટના બની હતી. આ હુમલાની ઘટના વખતે આસપાસમાંથી અનેક લોકો પસાર થતા હતા. પણ ઉશ્કેરાઇને કુહાડી ઝીંકતા શખ્સને અટકાવવાની કોઈની હિંમત ચાલી નહોતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર જુની અદાવતના કારણે આ ઘટના બની હોવાનુ સામે આવ્યું છે. બંને સાઢુભાઇએ પ્રેમલગ્ન કર્યા હતા અને બંનેની પત્ની સગી બહેનો છે. જે જૂનાગઢની રહેવાસી છે. હાલ ભાયાભાઈને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




