ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા અપીલ
વડોદરા,તા.૬
ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે શનિવારે વડોદરામાં રક્ષામંત્રી નિર્મલા સીતારામન પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે લોકસભાની ચૂંટણી અને પુલવામા હુમલા બાદ ભાજપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે વાત કરી હતી.
પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગેના સવાલના જવાબમાં નિર્માલા સીતારામને કહ્યું હતું કે, પુલવામા હુમલો સુસાઇટ એટેક હતો. જે બાદ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટ મળ્યા હતા કે ભારતમાં આવા વધુ હુમલા થઇ શકે છે. આવા વધુ હુમલા ન થયા તે માટે ભારત દ્વારા આતંકી કેમ્પ નષ્ટ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન કહે છે કે તે આતંકનો ભોગ બનનાર છે તો તેણે જ આતંકી કેમ્પ નષ્ટ કરવા જોઇતા હતા. પરંતુ તેણે કોઇ કાર્યવાહી ન કરી. દેશમાં આવા વધુ હુમલા ન થાય તે માટે આપણે કાર્યવાહી કરી.
લોકસભાની ચૂંટણીને લઇને નિર્માલા સીતારામને કહ્યું કે, ૨૦૧૪ની જેમ જ ૨૦૧૯ની ચૂંટણી પણ મહત્વની છે. ૨૦૧૪માં ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ચૂંટણી મહત્વની હતી. પરંતુ પાંચ વર્ષમાં ક્લિન સરકારનું નેતૃત્વ કરનારા પીએમ મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. ૨૦૧૯ની ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વની સરકારને ચૂંટવા માટે મહત્વની છે. સાથે જ તેમણે છેલ્લા પાંચના શાસન દરમિયાન વડોદરાને થયેલા લાભોની યાદી જણાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



