વડોદરા,તા.૨૦
સાવલી તાલુકાના પોઇચા ગામ પાસે આવેલી લેકટોસ ઇન્ડીયા પ્રા.લિ. દ્વારા મહીસાગર નદીમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરાવવા પર્યાવરણવાદીઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પર્યાવરણવાદીઓએ ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પોઇચા ગામની સીમમાં કમિકલનું ઉત્પાદન કરતી કંપની આવેલી છે. આ કંપની દ્વારા પ્રતિદિન ૬ લાખ લિટર જેટલું કેમિકલયુક્ત પાણી મહી નદીમાં છોડવામાં આવે છે. જે કેમિકલયુક્ત પાણી વડોદરા કોર્પોરેશનના પોઇચા સ્થિત ફ્રેન્ચવેલમાં એકઠું થાય છે. જે પાણી વડોદરા શહેરના અને પોઇચા સહિત આસપાસના ગામના લોકો પીવે છે.
વધુમાં જણાવ્યું છે કે, કેમિકલયુક્ત પાણી છોડવાથી નદીમાં રહેતા જળચર જીવોને પણ નુકશાન થયું રહ્યું છે. આ સાથે લોકોને ચામડીના રોગ ગામોમાં થઇ રહ્યા છે. કેમિકલયુક્ત પાણી છોડતી કંપની સામે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



