વડોદરા,તા.૨૪
છેલ્લા બે માસથી મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવી રહેલા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે કસરત કરી રહ્યું છે. પરંતુ દૂષિત પાણીનું મૂળ મળતુ ન હતું. પાલિકા દ્વારા પાણીના નમૂના લઇ તપાસ કરાવતા સુએઝ (ડ્રેનેજ)નું કોન્ટામિનેશન જણાઇ આવ્યું છે. કોર્પોરેશન દ્વારા હવે મિશ્રિત થઇ રહેલા પાણીની લાઇન શોધવાનું શરૂ કર્યું છે.
છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી દીધી હતી. કોર્પોરેશન દ્વારા દૂષિત પાણીના પ્રશ્નને હલ કરવા માટે નિમેટા સ્થિત ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ પાણીની ટાંકીઓ સફાઇ કરાવી છે. તેમ છતાં પણ દૂષિત પાણીનો પ્રશ્ન હલ થયો ન હતો. જેથી કોર્પોરેશન દ્વારા ચારેય ઝોનમાંથી પાણીના નમૂના લીધા હતા. અને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેમાં ૯ વિસ્તારના પાણીના નમૂના ફેઇલ થયા છે. આ પાણીમાં સુએઝ (ડ્રેનેજ)નું કોન્ટામીનેશન મળી આવ્યું છે.
કોર્પોરેશન દ્વારા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ઉત્તર ઝોનમાંથી ૪૭, દક્ષિણ ઝોનમાંથી ૫૨, પૂર્વ ઝોનમાંથી ૫૨ અને પશ્ચિમ ઝોનમાંથી ૭૫ પાણીના નમૂના મળીને કુલ ૨૨૬ પાણીના નમૂના લીધા હતા. અને આ નમૂના ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. તપાસમાં પૂર્વ ઝોનના ૪ અને ઉત્તર ઝોનના ૫ નમૂના મળી કુલ ૯ નમૂના ફેઇલ થયા છે. આ પાણીમાં સુએઝ (ડ્રેનેજ) કોન્ટામિનેશન મળી આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



