વડોદરા,તા.૨૪
વડોદરાનાં અટલાદરા-પાદરા રોડ પર સવારે પાણી ભરેલા ટેન્કરની અડફેટેમાં આવતા ટુ વ્હીલર પર સવાર માતા પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના સંતરામપુરનાં રહેવાસી ૨૯ વર્ષનાં નિમીષાબહેન દરજી તેમના એક વર્ષના પુત્ર શૌર્યને લઇને ટુ વ્હીલર પર જઇ રહ્યાં હતાં. તેઓ પાદરા તાલુકાના સમીયાલા ગામમાં રહેતા માસીના ઘરે વેકેશન ગાળવા આવ્યા હતા.
સવારે ૧૦ વાગ્યાની આસપાસ નિમીષાબહેન તેમના પુત્ર શૌર્યની સાથે ટુ-વ્હીલર પર વડોદરામાં ખરીદી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અટલાદરા-પાદરા રોડ પર પસાર થઇ રહેલા પાણી ભરેલા ટેન્કર ચાલકે ટુ-વ્હીલર પર જઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા. ટેન્કરની ટક્કર વાગતા જ માતા-પુત્ર રોડ પર પટકાયા હતાં. માતા પુત્ર ઉપર ટેન્કરના તોતીંગ પૈડાં ફરી વળતા બંનેના સ્થળ પર મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



