વડોદરા,તા.૬
વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(વુડા)ના બે અધિકારીઓ રૂપિયા ૧.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વુડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની એક પછી એક વિગતો સપાટી ઉપર આવી રહી છે. સમા-વેમાલી અને આલમગીરની જમીનોમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂપિયા ૧૯૦ કરોડનું આર્થિક નુકશાન વુડા અને ટી.પી.ઓ. કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો હવે બહાર આવી રહી છે.
વુડાના સી.ઇ.ઓ. નિલેશ શાહ અને જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ પટેલને વડોદરા એસીબીએ આર્કિટેક પાસેથી રૂપિયા ૧.૨૫ લાખની લાંચ લેતા ઝડપી પાડતા વુડા અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે વુડામાં આવતા સમા-વેમાલી અને આલમગીરમાં પાડવામાં આવેલી ટી.પી.માં બિલ્ડરોની જમીનો નિયમ કરતા ઓછી કપાત કરીને સિનીયર ટી.પી.ઓ. દ્વારા રાજ્ય સરકારને રૂપિયા ૧૯૦ કરોડનું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી ઉપર આવી છે.
વુડામાંથી મળેલી માહિતી પ્રમાણે સમા-વેમાલી ખાતે આવેલી આકાશ વાઘેલાની જમીનમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂપિયા ૬૦ કરોડનું નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આલમગીરને નોલેજ નોડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં દૈશીત પટેલની જમીનોમાં ઓછી કપાત કરીને રૂપિયા ૧૨૮ કરોડનું આર્થિક નુકશાન રાજ્ય સરકારને પહોંચાડવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




