મુંબઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ.પૂ. મોરારિબાપુના હસ્તે સન્માનપત્ર અને રૂા. ૫૧ હજારના ચેકથી સન્માન
સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે જેમનું વિશિષ્ટ પ્રદાન રહયું છે એવા લોકપ્રિય સાહિત્યકાર અને જન્મભૂમિના તંત્રી સ્વ.હરીન્દ્ર દવેની સ્મૃતિમાં સ્થાપિત હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ ઇ.સ.૨૦૦૫ થી દર વર્ષે પત્રકારત્વ તથા સાહિત્યક્ષેત્રમાં સાતત્યપૂર્ણ યોગદાન આપનાર વરિષ્ઠ અને નવોદિત પ્રતિભાને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે. જેમાં આ વર્ષથી કલાક્ષેત્રના સ્મૃતિ પારિતોષિકનો સમાવેશ કરાયો છે. ઇ.સ.૨૦૧૭ના વર્ષ માટેના આ હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકો એનાયત કરવાનો દબદબાભર્યો સમારંભ મુંબઇના વિલેપાર્લામાં આવેલા મુકેશ પટેલ ઓડિટોરીયમમાં સંત કથાકાર પ.પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં યોજાયો હતો. આ સમારંભમાં પ.પૂ. મોરારિબાપુના વરદ હસ્તે પત્રકારત્વ માટે દમણગંગા ટાઇમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય, સાહિત્ય માટે કવિ સુરેન ઠાકર ‘મેહુલ’, સ્વરકાર-ગાયક પદ્મશ્રી પુરૂષોત્તમભાઇ ઉપાધ્યાયને એનાયત કરાયા હતા. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂ.૫૧,૦૦૦/-નો ચેકનો સમાવેશ થાય છે.
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાના આ સમારંભની શરૂઆતમાં જ તાજેતરમાં જેમનું નિધન થયું એ વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર સુરતના મુ.ભગવતીકુમાર શર્માને મૌન શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી.
સમારંભમાં પ્રથમ પત્રકારત્વ માટેનું હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ‘દમણગંગા ટાઇમ્સ’ના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને પૂ.બાપુના હસ્તે એનાયત કરાયું હતું. તે પહેલા જન્મભૂમિજુથ પત્રોના મેનેજીંગ એડીટર અને તંત્રી કુંદનભાઇ વ્યાસે વિકાસ ઉપાધ્યાયનો પ્રભાવશાળી પરિચય આપ્યો હતો અને છેલ્લા ૨૧ વર્ષથી તેમના ગ્રામીણ પત્રકારત્વમાં પ્રદાનની રૂપરેખા આપી હતી. તેમણે વિકાસ ઉપાધ્યાયે લખેલા સેંકડો સ્થાનિક અગ્રલેખોની સરાહના કરતાં સૂચન કર્યું હતું કે, એમના અગ્રલેખોના પુસ્તકને ગુજરાતની કોઇ યુનિર્વસીટીએ પત્રકારત્વના અભ્યાસક્રમમાં સ્થાન આપવા જેવું છે.
હરીન્દ્ર દવે મેમોરીયલ એવોર્ડ એનાયત કર્યા પછી પ.પૂ.મોરારિબાપુએ પોતાના આશિર્વચનો પાઠવ્યા હતા. કવિ હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને ભગવતીકુમાર શર્માની ચેતનાને વંદન કરીને પોતાના મનનીય વકતવ્યની શરૂઆત કરી તંતુ સાધતા જણાવ્યું હતું કે, આજે જેમને પારિતોષિકો અપાયાં છે એ ત્રયેણ ભૂદેવો છે. અને તેઓ તેમના વર્ણને કારણે નહીં તેમના કતૃત્વ અને બ્રાહ્મણવૃત્તિને કારણે પૂજાયા છે. પૂ.બાપુએ બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વની છણાવટ પણ કરી હતી. અને કહયું હતું કે બ્રાહ્મણ દાન લે છે, અને દાન આપે પણ છે. બ્રાહ્મણ વિદ્યા ભણે છે અને ભણાવે પણ છે. તે યજ્ઞ કરે છે અને કરાવે પણ છે. હું આ ત્રણેય જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોમાં એક ગુણ જોઉં છું. અને ઉમેર્યું હતું કે, વિકાસ ઉપાધ્યાયે પત્રકારત્વ દ્વારા, પુરૂષોત્તમ ઉપાધ્યાયે પોતાની કલા દ્વારા અને કવિ સુરેન ઠાકરે સાહિત્ય દ્વારા સાધના કરી છે. કોઇએ ધંધા નથી કર્યા, દાન કર્યા છે. તેમણે પોતાના આદર્શોને લૂણો લાગવા નથી દીધો. પૂ.બાપુ એ કહયું હતું કે પત્રકાર, કલાકાર કે કવિ એવોર્ડ કે ખિતાબથી મહાન નથી થતો. આ એવોર્ડથી અમે આ સદ્દવૃત્તિ ધરાવતા ભૂદેવોને તિલક કર્યા છે. તેમણે આ સન્માનપત્રોને સન્માનપત્ર નહીં, પ્રેમપત્ર ગણાવ્યા હતાં. પૂ.બાપુએ સન્માનિત થનારા ત્રણેય વ્યકિતત્વોને આગવા અંદાજમાં નવાજયા હતાં. પત્રકાર વિકાસ ઉપાધ્યાયને આદર્શમૂર્તિ, પુરૂષોત્તમ ઉપાધ્યાયને આનંદમૂર્તિ અને સુરેન ઠાકર ‘મેહુલ’ને આદરમૂર્તિ કહયા હતાં. અને સમાજમાં દાખલારૂપ વ્યક્તિત્વોની જરૂરીયાત અને જવાબદારી તરફ પણ ઇશારો કર્યો હતો.
પ.પૂ. મોરારિબાપુએ દમણગંગા ટાઇમ્સના પત્રકાત્વની સરાહના કરી હતી અને પત્રકાર તરીકે વિકાસ ઉપાધ્યાય લોકો પાસેથી માહિતીનું દાન લઇ એનું સમાજને દાન આપે છે. એ બ્રાહ્મણનું કામ છે એમ જણાવ્યું હતું અને કહયું હતું કે પત્રકારત્વમાં વિકાસ ઉપાધ્યાય આદર્શમૂર્ર્તિ બની શકે છે. પૂ.બાપુએ પત્રકાત્વ અંગે પણ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે કેટલાક ક્ષેત્રો કમાવા માટેના હોતાં નથી, સેવા માટેના હોય છે. જેમણે કમાવું જ હોય તેમણે પત્રકારત્વ છોડી બીજો વ્યવસાય અપનાવી લેવો જોઇએ. પૂ.બાપુએ યલો જર્નાલીઝમ બાબતે ચીડ વ્યકત કરતાં જણાવ્યું હતું કે જે દિવસે દેશમાં પત્રકારત્વ પીળું મટીને ભગવું થશે તે દિવસે દેશનો ઉધ્ધાર થઇ જશે.
મુંબઇમાં પત્રકારત્વક્ષેત્રનો ગૌરવવંતો અને પ્રતિષ્ઠિત હરીન્દ્ર દવે મેમોરીયલ એવોર્ડ મેળવ્યા પછી પોતાનો પ્રતિભાવ આપતાં દમણગંગા ટાઇમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયે પાછલા ૨૧ વર્ષમાં દમણગંગા ટાઇમ્સે ખેડેલા પત્રકારત્વની સંક્ષિપ્ત રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે શહેરોમાંથી ગામડાંઓમાં જઇને વર્ષેદહાડે કેટલીક સ્ટોરીઓ આપીને સાચું ગ્રામીણ પત્રકારત્વ ખેડી શકાય નહીં, એ માટે તો ગામડાંને જ બોલતાં કરવા પડે. ત્યાંથી જ પત્રકારો તૈયાર કરવા પડે અને દમણગંગા ટાઇમ્સે તંત્રીશ્રી એન.વી. ઉકાણીના માર્ગદર્શનમાં એ જ પ્રયાસ કર્યોં છે. તેમણે આવા મોટા ગજાના પુરસ્કાર માટે પસંદગી સમિતીએ જીલ્લાકક્ષાના એક દૈનિક અને એના પત્રકારની પસંદગી કરી એ માટે આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અને આ પારિતોષિક એક નવો ચીલો ચાતરનારું નિવડશે એવી આશા વ્યકત કરી હતી પ.પૂ.મોરારિબાપુના હસ્તે પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રા એક પવિત્ર નામ હરીન્દ્ર દવેના નામનું આ પારિતોષિક પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળ્યું છે એ જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી આ એવોર્ડથી જવાબદારી વધી હોવાનું ઉમેર્યું હતું.
ત્રણેય એવોર્ડ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા પછી એમના પ્રતિભાવો બાદ પ.પૂ.મોરારિબાપુએ પોતાના આશિર્વચનો પાઠવ્યાં હતાં. તથા ત્રણેય વિજેતાઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
સમગ્ર સમારંભનું ખૂબ જ પ્રભાવશાળી રીતે કવિ હિતેન આનંદપરાએ સુચારુ સંચાલન સંભાળ્યું હતું.
આ સમારંભમાં દમણગંગા ટાઇમ્સના તંત્રી એન.વી.ઉકાણી, એમ.ડી.મંજુલાબેન ઉકાણી, તથા શીતલ ઉપાધ્યાય, ગીરીશભાઇ પટેલ, ચંદ્રકાંતભાઇ મિષાી, જલારામભાઇ ઉકાણી, ઉર્મિલાબેન ઉકાણી, મુંબઇના પ્રતિનિધિ શકીલભાઇ વગેરે ઉપસ્થિત રહયાં હતાં.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




