મતદાન કેન્દ્ર પાસે બેનર, કટાઉટ અને પ્રચારના પોસ્ટર રાખી શકાશે નહીં

0
18

મતદાન કેન્દ્રમાં મતદાર સિવાઈ કોઈએ પ્રવેશ કરવો નહીં
વ્યારા, તા.૨૨

તા. ૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને મતદાન મથકની આજુબાજુમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઇ પ્રત્યાઘાત ન પડે તેમજ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી મતદાનના દિવસે મતદાન મથકમાં મતદાર, પોલીંગ ઓફિસર, ચૂંટણી સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિઓ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારનો એક મતદાર એજન્ટ, સ્ત્રી મતદારે તેડેલું બાળક, અંધ, અશકત મતદારનો સાથી, આ સિવાયની અન્ય વ્યક્તિ કે જેને ચૂંટણી અધિકારી અથવા પ્રિસાઇડીંગ ઓફિસરે નિયુકત કર્યા હોય તેવી વ્યક્તિ જ પ્રવેશી શકશે. મતદાન મથકની ૨૦૦ મીટર દુર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલા બુથ ઉપરથી અથવા ઉમેદવાર તરફથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઇ પણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઇ લખાણ હોવું જોઇએ નહિં. કોઇ પણ મતદાર કે વ્યક્તિ મતદાન મથકની ૨૦૦ મીટરની હદમાં આવી કોઇ કાપલી કે જેમાં ઉમેદવારનું નામ, પ્રતિક કે સંજ્ઞાનું લખાણ હોઇ તે લઇ પ્રવેશી શકશે નહિં. મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં કોઇ પણ વ્યક્તિ મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડિંગ થઇ શકે તેવા કોઇ પણ પ્રકારના ઉપકરણો લઇ પ્રવેશી શકશે નહિં. મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રચાર અંગેનું કોઇ પણ સાહિત્ય, બેનર, કટ આઉટ, પોસ્ટર રાખી શકશે નહિં. સમગ્ર તાપી જિલ્લાના તમામ લોકસભા મતવિસ્તારના મુકકર થયેલા મતદાન મથકોને આ હુકમ લાગુ પડશે. જે તે મતદાન મથકો પર ચૂંટણી ફરજ બજાવવા માટે તેમજ ચૂંટણી સંચાલનની પ્રક્રિયા માટે નિમાયેલ સરકારી અધિકારી/કર્મચારીને આ હુકમ લાગુ પડશે નહિં. આ હુકમ તા. ૨૩/૦૪/૨૦૧૯ના રોજ સમગ્ર તાપી જિલ્લા હસ્તકના વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY