સમગ્ર જિલ્લામાં ૧૨૪૧ યોગકેન્દ્ર ખાતે અંદાજિત ૧.૮૮લાખથી વધુ જનસંખ્યા ભાગ લે તેવું આયોજન
શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજો, વિવિધ સામાજિક-ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ એસોસીએશનો ખાતે થનારી ઉજવણી
જિલ્લા પંચાયત નર્મદાના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં યોજાયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક
રાજપીપળા:તા.૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં અંદાજે ૧૨૪૧ થી વધુ યોગકેન્દ્રો ખાતે અંદાજે ૧.૮૮ લાખથી વધુ જનસંખ્યા યોગમાં ભાગ લે તેવું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન ઘડી કરાયું છે. આ યોગના કાર્યક્રમમાં સૌ મોટા પ્રમાણમાં જોડાઇ તે માટે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જિલ્લા પંચાયતનાં સભાખંડ ખાતે તાજેતરમાં બેઠક કરી સુદ્રઢ આયોજન સાથે સમિતિ બનાવી વિવિધ અમલીકરણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટર ડી.કે.બારીયા, ડી.આર.ડી.એ. નિયામક જી.આર.ધાકરે, જિલ્લા રમત-ગમત અધિકારી મહેશ ચૌધરી, જિલ્લા સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, વિવિધ સમિતિઓએ પોતાની જવાબદારીઓ અદા કરી વધુ લોકો આ ઉજવણીમાં ભાગ લે તે માટે પ્રયાસો કરવાની સૂચના આપી હતી.
આ વર્ષે પણ નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં ૫ જિલ્લાકક્ષાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૧૧ હજારથી વધુ, તાલુકાકક્ષાના યોગકેન્દ્રોમાં અંદાજિત ૮૫૦૦ થી વધુ, નગરપાલિકાના બે કેન્દ્રોમાં ૨૧૫૦, પ્રાથમિક શાળાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૯૫ હજાર, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૨૩,૫૦૦, આઇ.ટી.આઇ. સહિતની કોલેજોના કેન્દ્રોમાં અંદાજિત ૨,૭૦૦, જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૩૪,૧૫૦, તમામ સહભાગી તેમજ અન્ય ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોગ કેન્દ્રોમાં અંદાજિત ૧૧,૪૦૦ જેટલી જનમેદની દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ- ૩૪ યોગ ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સૌ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




