વડોદરા,
તા.૨૧/૪/૨૦૧૮
શહેરમાં ગરીબ બાળકો માટે એનજીઓ ચલાવતી એક યુવતીએ પ્લાસ્ટીકની ચીજ વસ્તુના વધી રહેલા વપરાશ સામે ઝુંબેશ શરૂ કરી છે. ‘મારો કચરો મારી જવાબદારી’ના સ્લોગન સાથે વડોદરાથી દિલ્હી સુધીની ૧૧૦૦ કિમીની પદયાત્રાનો તેણે પ્રારંભ કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ફ્લેગ ઓફ કરી યુવતીની પદયાત્રાની શરૂઆત કરાવી હતી. દિલ્હી સુધી તે ૪૫ દિવસ ચાલીને જશે અને રસ્તામાં આવતાં તમામ સ્થળોએ પ્લાસ્ટીક ફ્રીનો મેસેજ આપશે. વડોદરાના લોકોએ આ યુવતીના અભિયાનને આવકારી તેની યાત્રા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.
વડોદરા માં અનાથ અને રઝળતા બાળકો માટે કેરેવાન કલાસરૂમના સ્થાપક રાજેશ્વરી સિંગ માનવ જીવનમાં પ્લાસ્ટીકના વપરાશ સામે લાલ બત્તી દર્શાવીને પ્લાસ્ટીકથી પૃથ્વીને બચાવવા માટે પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવા અને જે છે તેને રિસાયકલ કરીને પર્યાવરણને પ્લાસ્ટીક ફ્રી બનાવવાના પ્રયાસ કરી રહી છે. આ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ યુનાઇટેડ નેશનનો સહયોગ મળી રહ્યો છે. વડોદરાથી દિલ્હી વચ્ચેનું ૧૧૦૦ કલોમીટરનું અંતરતે પદયાત્રા કરીને પૂર્ણ કરશે. જ્યાં પણ તે રોકાશે ત્યાંના યુવાનો મહિલાઓને પ્લાસ્ટીકના વપરાશથી દૂર રહેવા માટે સમજાવશે.
રાજેશ્વરી સિંગ રોજનું ૪૦ કિલોમીટર જેટલું ચાલશે. ૪૫ દિવસમાં ચાર રાજ્યોના ૪૫ જેટલા નાના મોટા શહેરોમાં થઈને પસાર થશે. પ્લાસ્ટીકથી આપણી પૃથ્વીને બચાવવાનો સંદેશો આપશે. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનોએ વડોદરાથી ફ્લેગ ઓફ આપીને પદયાત્રાની શરૂઆત કરાવી હતી. વિધાનસભા અધ્યક્ષે પદયાત્રા માટે શુભેચ્છા આપી આર્થિક સહયોગ પણ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





