હે રામ..બિલ ન ભરતા લાશ આપવાની ના પાડી,પરિવારજનોએ દાન માંગી હોસ્પિટલનું બિલ ભર્યુ

0
6

ઝારખંડ,તા.૩
ઝારખંડની એક હોસ્પિટલનો કિસ્સો સાંભળતા માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યુ છે. ઝારખંડની એક હોસ્પિટલમાં દર્દીનું મોત થતા લાશ લેવા ગયેલા પરિવારના સભ્યોને હોસ્પિટલના મેનેજરે કહ્યુ હતું કે, પહેલા પૈસા ભરો પછી લાશ મળશે. પરિવારના સભ્યનું અંતિમવાર મ્હોં જોવા માટે પરિવારજનોએ હોસ્પિટલમાં રહેલા અન્ય લોકો પાસેથી દાન ભેગુ કર્યું અને ત્યારબાદ હોસ્પિટલનું બિલ ભરીને પરિવારના સભ્યનો મૃતદેહ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઝારખંડના રાંચીમાં રહેતા અને હટીયા રેલવે કેન્ટીનમાં કામ કરતા અમરસિંહને ચક્કર આવવાના કારણે તેના સાથી કામદારો અમરસિંહને રાંચીની રાજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમરસિંહને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતુ. આ વાતની પરિવારજનોને જાણ થતા તેઓ હોસ્પિટલ આવ્યા હતા અને અમરસિંહના મૃતદેહને લઇ જવાની માગ હોસ્પિટલના મેનેજર પાસે કરી હતી. ત્યારે હોસ્પિટલના મેનેજરે ૫૪ હજારનું બિલ પકડાવી દીધું અને કહ્યુ બિલ ભરીને મૃતદેહને લઇ જાવ.
ઉલ્લેખનીય છે કે, પરીવારજનો પાસે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ પણ હતું, છતાં પણ હોસ્પિટલના મેનેજરે બિલ પકડાવી દીધું હતું. પરિવારજનો પાસે બિલ ભરવા માટે દસ હજાર રૂપિયા ઘટતા હોવાના કારણે હોસ્પિટલના મેનેજરે પરિવારને મૃતદેહ સોંપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આસપાસના લોકો પાસેથી ફાળો ભેગો કરી પરિવારજનોએ હોસ્પિટલનું બિલ ચુકવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલે અમરસિંહના મૃતદેહને સોંપ્યો હતો.
આ સમગ્ર મામલે હોસ્પિટલના મેનેજરે કહ્યુ હતું કે, પૈસાનો સવાલ ન હતો, દર્દીની પત્નીએ એમ કહ્યુ હતું કે, રાત થઈ ગઈ હોવાના કારણે તેઓ લાશ ઘરે નહીં લઈ જાય અને તેઓ સવારે લાશ લઈ જશે. જેના કારણે લાશને કોલ્ડ રૂમમાં મુકવામાં આવી અને ત્યારબાદ સવારે પરિવારના સભ્યો બિલ આપીને લાશને લઈ ગયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY