૧૮૧ અભયમ નિરાધાર અને પીડિત મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ

0
68

સુરત,
મહિલાઓને ઘરેલુ હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન મળી રહે તે માટે ૪ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ પ્રથમ તબક્કામાં આ સેવા તાલિમબદ્ધ મહિલા કાઉન્સેલર સાથે રેસ્કયુ વાન સહિત અમદાવાદ શહેર, સુરત શહેર તેમજ ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવા માં આવી હતી. આ હેલ્પલાઇનને બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્વારા દરેક મહિલાને મુશ્કેલીના સમયે ત્વરીત સહાય આપવાના આશયથી સમગ્ર રાજ્યમાં તા.૮ માર્ચ, ૨૦૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. સાથે જ આ હેલ્પલાઇનમાં તાત્કાલિક મદદની જરૂર હોય તેવી મહિલાઓ માટે રેસ્કયુ વાનની સગવડ પણ રાખવામાં આવી છે. રાજ્ય સરકારની આ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની સેવા ગ્રામ્ય તેમ શહેરી વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંજીવની સમાન બની રહી છે.
અભયમ મહિલા સુરક્ષા હેલ્પલાઇને નારી સુરક્ષાના જાગ્રત પહેરેદારની ભૂમિકા બખૂબી અદા કરી છે. સમગ્ર ૧૮૧ હેલ્પલાઇન દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ દરમિયાન સુરત જિલ્લાની ૧૭ નિરાધાર મહિલાઓ સહિત રાજ્યભરમાં ૨૨૯ આપદાગ્રસ્ત મહિલાઓને અભયમે પરિવારથી વિખૂટી પડેલી મહિલાઓને સમયસરની મદદથી ઉગારીને તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૮૧ મહિલા હેલ્પલાઇનને રાજ્યવ્યાપી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.
જે મહિલાના પરિવારની ભાળ મળી શકી નથી તેવી માનસિક રીતે અસ્થિર મહિલાઓને સુરક્ષિત રીતે મહિલા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો છે. ઉપરાંત આવી માનસિક અસ્વસ્થ મહિલાઓને એજન્સીઓ દ્વારા સઘન સારવાર આપીને સ્વસ્થ થતાં તેના પરિવાર સગા-સંબંધીના નામ-સરનામાં મેળવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ૧૮૧ અભયમને એવી પણ કેટલી મહિલાઓ મળી આવી હતી જેમનો સાસરી કે પિયર પક્ષ સ્વીકારવા તૈયાર નથી, ઉપરાંત વૃદ્ધાવસ્થાને કારણે તરછોડવામાં આવી હોય, બીમાર મહિલાઓ હોય, તેમજ વિકટ પરિસ્થતિમાં ફસાયેલી મહિલા હોય, તમામને સ્થાનિક પોલિસની મદદથી નારી સંરક્ષણ ગૃહ, ચેરિટી સંસ્થાઓ, એન.જી.ઓ.માં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મહિલા સાથે થતી શારીરીક, જાતીય, માનસિક, આર્થિક હિંસા, શારીરીક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનુની જોગવાઇઓની માહિતી જેવા વિવિધ મુદ્દાઓ પર અભયમ સહાયરૂપ બની રહી છે.
૧૮૧ અભયમ હેલ્પલાઇનની સફળતાના પગલે મહિલાઓ અને યુવતીઓ કોઇપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાં તરત જ મદદ મળે તે માટે ૧૮૧ અભયમ એપ તૈયાર કરાઈ છે. વિકટ પરિસ્થિતિમાં યુવતી/મહિલાઓ દ્વારા અભયમ એપમાં માત્ર ૧૮૧ ઇમરજન્સી બટન દબાવતાની સાથે જ મહિલાના સ્થળ વિશેની માહિતી GPS ના માધ્યમથી ૧૮૧ના ઇમરજન્સી સેન્ટરને મળી જશે અને વિના વિલંબે ત્વરિત અભયમ રેસ્ક્યુ વાન ઘટનાસ્થળે પહોંચીને મદદરૂપ બનશે.
આ હેલ્પલાઇનને રાજ્યમાં હાલમાં કાર્યરત અન્ય હેલ્પલાઇન જેવી કે ૧૦૯૧, ચાઇલ્ડ હેલ્પ લાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૮ ઈમરજન્સી સાથે પણ જોડવામાં આવી છે, જેથી જરૂર પડ્યે આમાંની કોઇ પણ સેવાનો લાભ મહિલાને ત્વરિત આપી શકાય. આમ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ બની સંકટ સમયની સાંકળ બનીને લાચાર, નિરાધાર તેમજ પીડિત મહિલા માટે સંજીવની સમાન બની રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY